અમદાવાદની ખારીકટ-ફતેહવાડી કેનાલ પર 104 માઈનોર બ્રીજ ભયજનક

File Photo
રાજય સરકારે પ૦ વર્ષથી માઈનોર બ્રીજ રીપેર કર્યાં નથી-સરકાર -મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે પોલીસી તૈયાર થઈ ન હોવાથી નાગરિકોની સુરક્ષા જોખમમાં
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાંથી પસાર થતી ખારીકટ અને ફતેહવાડી કેનાલ પર વર્ષો જુના કલવર્ટ છે જેને રાજય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા રીપેર કરવામાં આવ્યા નથી. ખારીકટ ડેવલપમેન્ટ પ્રોજેકટ મંજુર સમયે સિંચાઈ વિભાગ અને સરદાર સરોવર નિગમ લિ. તરફથી આ કેનાલોની તમામ જવાબદારી કોર્પોરેશનને સોંપવામાં આવી હોવાનો પત્ર લખવામાં આવ્યો હતો.
પરંતુ આ અંગે સરકાર કે મ્યુનિ. કોર્પોરેશન તરફથી કોઈ સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી આ ભયજનક સ્ટ્રકચરના રીપેરીંગ કોણ કરશે ? તે બાબત ચર્ચાનો વિષય બની છે. મ્યુનિ. કોર્પોરેશને આ બંને કેનાલ પર ના સ્ટ્રકચરના સર્વે કરી રીપેરીંગ ખર્ચનો અંદાજ તૈયાર કર્યો છે જે રકમ રૂ.૧૦૦ કરોડ કરતા પણ વધી જાય છે.
રાજય સરકારના સહયોગથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાંથી પસાર થતી ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લગભગ બીજા ફ્રેઝનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે પરંતુ ખારીકટ કેનાલ પર આવેલા અલગ અલગ કલવર્ટ (સ્ટ્રકચર) ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે. સરદાર સરોવર નિગમ લિ.ના કાર્યપાલક ઈજનેર તરફથી ઓગસ્ટ ર૦ર૪માં ખારીકટ કેનાલની જવાબદારી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સોંપવામાં આવી હોવાનો પત્ર લખવામાં આવ્યો હતો
પરંતુ તે અંગે રાજયના સિંચાઈ વિભાગ કે મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી તરફથી કોઈ ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી નથી તેવી જ રીતે ફતેહવાડી કેનાલ પર પ૦ વર્ષ પહેલા બનાવેલા કલવર્ટ (સ્ટ્રકચર) હયાત છે. ચોંકાવનારી બાબત એ છે કે સિંચાઈ વિભાગ દ્વારા આવા પાંચ છ દાયકા જુના સ્ટ્રકચરના એક પણ વખત રીપેરીંગ કામ કરવામાં આવ્યા નથી જેના કારણે આ તમામ સ્ટ્રકચર અત્યંત ભયજનક અવસ્થામાં આવી ગયા છે અને કેટલાક ઠેકાણે તો નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ સ્ટ્રકચર પરથી અવરજવર પણ બંધ કરવામાં આવી છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ અને સરકાર તરફથી સ્ટ્રકચર રીપેરીંગ અંગે કોઈ નીતિ તૈયાર કરવામાં આવી ન હોવાથી જે તે વિસ્તારના નાગરિકોને પારાવાર હાલાકી થઈ રહી છે. જોકે મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા આવા તમામ સ્ટ્રકચરના સર્વે કરવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ ખારીકટ અને ફતેહવાડી કેનાલ પર કુલ ૧૦૪ સ્ટ્રકચર છે જે પૈકી મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ૯૮ સ્ટ્રકચર છે જેના રીપેરીંગ માટે રૂ.૧૩પ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ અને રાજયના સિંચાઈ વિભાગે આ ખર્ચની જવાબદારી કોણ ઉઠાવશે તે અંગેની કોઈ પોલીસી બનાવી ન હોવાથી આ તમામ સ્ટ્રકચર હાલ જર્જરીત અવસ્થામાં લટકી રહયા છે અને નાગરિકો સ્વજોખમે તેના પરથી પસાર થઈ રહયા છે.