Western Times News

Gujarati News

પેટલાદમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું પરિભ્રમણ રાજમાર્ગો શ્લોકોથી ગુંજી ઉઠ્‌યા

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, ગુજરાત રાજ્યના શિક્ષણ તથા સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે દરેક જીલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે મુજબ આણંદ જીલ્લામાં પેટલાદ ખાતે આજરોજ સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. આ યાત્રાએ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું.

જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત આ યાત્રા દરમ્યાન પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સતત સંસ્કૃત શ્લોકોનું પઠન ચાલુ હતું. જેથી સમગ્ર શહેર આજે સંસ્કૃતમય બન્યુ હતું. આ યાત્રામાં શહેર અને તાલુકાની શાળાના આશરે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

દેશની સંસ્કૃતિની જાળવણીમાં સંસ્કૃત ભાષાનો ખૂબ મહત્વનો ભાગ છે. દેશના ખૂણે ખૂણે સંસ્કૃતની પાઠશાળાઓ અને ગુરૂકુળ દ્વારા ઋષીકુમારોને સંસ્કૃતનું શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે. ભારતમાં છોટે કાશી તરીકે બિરૂદ મેળવનાર પેટલાદમાં સો વર્ષ જુની પાઠશાળા આજે પણ સો થી વધુ ઋષિકુમારોને દર વર્ષે સંસ્કુતનું શિક્ષણ આપે છે.

આણંદ જીલ્લામાં સંસ્કૃત વિષયક મહત્વનું સ્થાન ધરાવતી આ પાઠશાળા પેટલાદમાં હોવા સાથે આજરોજ આ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. દેશ અને રાજ્યમાં સંસ્કૃત અને સંસ્કૃતિ વિષે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો વધુ જાગૃત બને તે માટે સરકાર દ્વારા સંસ્કૃત સપત્હની ઉજવણી કરવાનું જાહેર કર્યું હતું. જે મુજબ આણંદના પેટલાદ ખાતે આજે ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના પટાંગણથી સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી તથા જીલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ કરાવ્યું હતું.

પાઠશાળાના ઋષિકુમારોએ સંપૂર્ણ શાસ્ત્રોક્ત ઉચ્ચારણ અને શ્લોકો સાથે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરવામાં આવનાર હોવાનું જીલ્લા શિક્ષણ અધિકારી કામિની ત્રિવેદીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું હતું કે આ ઉજવણી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પાઠશાળા સ્તરે થનાર છે.

જેમાં શૈક્ષણિક, મુક્ત, સંસ્થાકીય અને વિશેષ સ્તરના કાર્યક્રમો રહેશે. આ યાત્રામાં જીલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, નાયબ કલેક્ટર હિરેન બારોટ, ઈ.ચા. મામલતદાર હસમુખભાઈ મકવાણા, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, આણંદ જીલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, જીલ્લા શિક્ષણ સમિતી ચેરમેન સુનીલભાઈ સોલંકી, જીલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ (બાદલભાઈ) પટેલ,

પેટલાદ તાલુકા પંચાયતના પ્રમુખ સોનલબેન પટેલ, ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના મંત્રી એન આર શાહ, પાઠશાળાના અધ્યાપકો, ઋષિકુમારો, શહેર – તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, શિક્ષણવિદો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

સંસ્કૃત ગૌરવ યાત્રાના પ્રસ્થાન પૂર્વે જીલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ સંસ્કૃતમાં સ્પીચ રજુ કરતા ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓએ કહ્યું હતું કે સંસ્કૃત માત્ર ભાષા નહીં પણ વિજ્ઞાન છે. આ ભાષા દેશની સંસ્કૃતિના વારસાને જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે.

સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિવિધ શાળાના ૧૦થી વધુ ટેબ્લો રજુ થયા હતા. જેમાં વેસ્ટર્ન ઈંગ્લીશ મિડીયમ સ્કુલના ટેબ્લોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.
આ શાળા દ્વારા બે વિભિન્ન ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી વૈમાનિક શાસ્ત્રના મહાન ઋષિ મહર્ષિ ભારદ્વાજ દ્વારા દર્શાવેલ રૂક્મ વિમાનનું નોન વર્કગ મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું, જે વૈદિક વિજ્ઞાનની વૈભવી વારસાનું પ્રતિનિધિત્વ કરતું હતું.

જ્યારે અન્ય ટેબ્લો દ્વારા “સંસ્કૃતમાં વિજ્ઞાન” વિષયક લોકોમાં સંસ્કૃત ભાષાના વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય પ્રત્યે રસ જગાવ્યો હતો. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સતત નારા ઘોષણા કરવામાં આવી કે “જયતુ સંસ્કૃતમ્‌, જયતુ ભારતમ્”, જે સમગ્ર વાતાવરણને દેશભક્તિ અને સંસ્કૃતના ગૌરવથી સંજીવિત કરી દીધું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.