દબાણ હટાવવાના નામે મારામારી કરનાર મનપા અધિકારીને સસ્પેન્ડ કરવા કોંગ્રેસની માંગ

ખેડા જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિનેશચંદ્ર રાઠોડ એ મહાનગરપાલિકા નડિયાદના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી દબાણ હટાવો ઝુંબેશના નામે ગરીબોને હેરાન કરી મારામારી કરનાર દબાણ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી તેની સામે ખાતાકીય તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરી છે.
નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિનેશચંદ્ર રાઠોડ એ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકાના કર્મચારી રાકેશ શર્મા, જે દબાણ શાખાના અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમના ધ્વારા ગત તારીખ ઃ ૦૫-૦૮-૨૦૨૫ ના રોજ સંતરામ મંદિર વિસ્તારમાં ગરીબ અને સામાન્ય વ્યક્તિઓ પર કરવામાં આવેલ અમાનવીય બળ પ્રયોગ અને હિંસક મારામારીની ઘટના બની હતી
તેના વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રાકેશ શર્મા યુનિફોર્મ વગર, અશોભનીય રીતે ટી-શર્ટ અને ચડ્ડી પહેરીને સરકારી કામગીરીના નામે ગરીબ માણસોને માર મારી રહ્યા છે. સૌથી ચોંકાવનારી અને ગંભીર બાબત તો એ છે કે તેઓ એક નિઃસહાય વ્યકિતની ગરદન પકડીને જાહેરમાં ઢસડી રહયા છે આ કૃત્ય કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાય તેમ નથી.
કોઈપણ સરકારી કર્મચારી ધ્વારા આ પ્રકારનું હિંસક અને અસંવેદનશીલ વર્તન એ માત્ર શરમજનક જ નહીં પરંતુ એક ગંભીર ફોજદારી ગુનો પણ છે. નડિયાદ મહાનગરપાલિકા જેવી ગૌરવપૂર્વક સંસ્થાના કર્મચારીનું આ પ્રકારનું વર્તન સંસ્થાની પ્રતિષ્ઠા ને કલંકિત કરે છે તેઓએ કાયદાનું પાલન કરાવવાને બદલે ખુદ કાયદાને હાથમાં લીધો છે જે અત્યંત નિંદનીય છે.
આ ઘટના ન માત્ર ગરીબ લોકોના માનવ અધિકારોનું ઉલ્લંઘન છે પરંતુ તે સત્તાનો દુરઉપયોગ કરી પ્રજા પર ત્રાસ ગુજારવાનો એક સ્પષ્ટ કિસ્સો છે.રાકેશ શર્મા ધ્વારા કરવામાં આવેલા આ હિંસક કૃત્યની તાત્કાલીક ઉચ્ચ સ્તરીય ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવે.આ તપાસ પૂર્ણ થાય અને યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી, તેઓને તાત્કાલીક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવે, જેથી તેઓ તપાસને પ્રભાવિત ન કરી શકે.
ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં ભરવામાં આવે અને કર્મચારીઓને નાગરિકો સાથે માનવીય અને સભ્યતાપૂર્વક વર્તન કરવાની તાકીદ કરવામાં આવે એવી અમારી માગ છે.