સાણંદના ધારાસભ્યના ગામમાં જ સ્મશાન તરફ જતાં રસ્તાનો ઉકેલ આવ્યો નથી

પાણી અને કાદવ ભરાયેલા હોવાથી પરિવારજનોએ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો અને પછી પાણીમાં ચાલીને જવું પડ્યું હતું-સાણંદના ગોકળપુરામાં કાદવ-કીચડવાળા રસ્તા પર નનામી લઈ જવા મજબૂર
અમદાવાદ, જીવનમાં કેટલાક સંઘર્ષનો અંત મૃત્યુ પછી પણ નથી આવતો. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોકળપુરા ગામમાં કંઈક આવા જ હાલ છે. જ્યાં મરણ પછી પણ અંતિમ ક્રિયા માટે સંઘર્ષ કરવો પડે છે. ગોકળપુરા ગામના લોકો પાણી અને કિચડ-કાદવ ભરેલા રસ્તામાં અંતિમયાત્રા કાઢવા મજબૂર છે. જ્યાં અંતિમ ક્રિયા માટે ગ્રામજનો સંઘર્ષ કરી રહ્યા છે. નનામી લઈને પાણીમાં ચાલવુ પડે છે. રસ્તા પર કાદવ પણ છે.
ડાઘુઓના પગ આ કિચડમાં ખૂંપી રહ્યા છે. થોડા દિવસ પહેલા ગામના સીમ વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય શાંતાબેનનું કેન્સરના કારણે અવસાન થયું. તેમની અંતિમક્રિયામાં પરિવારજનોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. સીમમાંથી સ્મશાન સુધીના રસ્તા પર પાણી અને કાદવ ભરાયેલા હોવાથી પરિવારજનોએ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો અને પછી પાણીમાં ચાલીને જવું પડ્યું હતું.
સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલનું ગોકળપુરા ગામમાંથી આવે છે. તેમ છતાં ધારાસભ્યના ગામમાં જ સ્મશાનના રસ્તાનો ઉકેલ આવ્યો નથી. ગ્રામજનો માટે દર ચોમાસે આ સમસ્યા છે. વરસાદની સિઝનમાં ગામમાં કોઈ મૃત્યુ થાય ત્યારે આવા વરવા દ્રશ્યો સામે આવે છે. મૂળભૂત સુવિધાઓના અભાવે ગ્રામજનોને કેટલી મોટી મુશ્કેલીઓ વેઠવી પડે છે,
ખાસ કરીને ચોમાસા જેવી કુદરતી આફતો સમયે તંત્ર આ મામલે તાત્કાલિક ઉકેલ લાવે તેવી માગણી ગ્રામજનો કરી રહ્યા છે. ગામના આગેવાનોનુ આ અંગે કહેવું છે કે આ વિસ્તાર ગામનો પરા વિસ્તાર છે, એટલે કે સીમ વિસ્તાર છે. જ્યાં સર્વે નંબર હોવાથી અહીંયા રસ્તો બની શકે નહીં. પરંતુ તેમ છતાંય ગ્રાન્ટ મંજૂર કરાવીને અહીંયા કપચી નખાવવામાં આવી છે. આગળની વહીવટી મંજૂરી મળશે તો એ પ્રમાણે અહીંયા યોગ્ય રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવશે.