Western Times News

Gujarati News

રાજગરા, મોરૈયા અને શિંગોડાનો લોટમાં મકાઈના લોટની ભેળસેળ

પ્રતિકાત્મક

ઉપવાસ કરતાં લોકો બહારનું ખાતા પહેલા વિચારજો- ફરસાણના વેપારીઓ શ્રાવણમાં પેટીસમાં મકાઈનો લોટ ખવડાવતા હોવાનું ખુલ્યું

ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરાયો હોવાનું ખુલ્યું -ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી ૮૫ કિલો વાસી પેટીસનો જથ્થો અને ૫ કિલો મકાઈનો લોટ ઝડપ્યો હતો

રાજકોટઃ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ શ્રાવણ માસ દરમિયાન પણ અનેક તહેવારો આવતા હોય છે જે તહેવાર દરમિયાન લોકો વ્રત કરતાં હોય છે. ત્યારે રાજકોટમાં લોકોની આસ્થા સાથે ચેડાં કરતો કિસ્સો સામે આવ્યો છે. જેથી વ્રત કરતાં લોકો બહારનું ખાતા પહેલા ૧૦૦ વખત વિચારજો.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પણ લેભાગુ તત્વો રૂપિયા કમાવાની લાલચમાં લોકોની આસ્થા સાથે સરેઆમ છેડા કરી રહ્યા છે. રાજકોટ શહેરના જલારામ ચોક વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની ટીમની તપાસમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરાયો હોવાનું ખુલ્યું હતું.

ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ જલારામ ફરસાણમાંથી પેટીસના આ નમૂના લીધા હતા. જો કે પેટીસમાં મકાઈનો લોટ ભેળવીને વેચાણ થતું હતું જે બાબતો સામે આવતા જ ફૂડ વિભાગે જલારામ ફરસાણમાંથી ૮૫ કિલો વાસી પેટીસનો જથ્થો અને ૫ કિલો મકાઈનો લોટ ઝડપ્યો હતો. તમામ વસ્તુનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો છે. જો કે શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે. એવામાં ઉપવાસ દરમિયાન ફરસાણના વેપારીઓ શ્રદ્ધાળુઓને મકાઈનો લોટ ખવડાવતા હોવાનું ખુલ્યું હતું.

લોકો શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ રહેતા હોય છે અને આ ઉપવાસમાં પેટીસ વધારે આરોગતા હોય છે ત્યારે અમારી ટીમને આ પેટીસમાં કઈ રીતે ભેળસેળ થાય તે જાણવા નિવૃત્ત આરોગ્ય અધિકારીનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે, પેટીસની અંદર બટેટાનો મસાલો હોય છે. આ મસાલાને કવર કરવા માટે બહારનું એક લેયર પેટીસમાં તૈયાર કરવામાં આવતું હોય છે. આ લેયર એ ફરાળી પેટીસ ફરાળી લોટનું જ હોવું જોઈએ.

જેમાં રાજગરાનો લોટ, મોરૈયાનો લોટ, શિંગોડાનો લોટનું હોવું જોઈએ જો કે આ લોટ છે તે મોંઘો આવતો હોય છે. જોકે એમના બદલે કેટલાક લેભાગુ તો મકાઈના લોટ અથવા ઘઉંના લોટનો ઉપયોગ કરતા હોય છે. જેથી લોકોના વ્રતનો ભંગ થતો હોય છે. કેટલાક વેપારીઓ લોકોને છેતરવા માટે માત્ર પેટીસ લખતા હોય છે ફરાળી પેટીસ લખતા નથી હોતા જેથી તે કાયદામાંથી છટકી પણ જતા હોય છે.

આવી ભેળસેળ કરવા પાછળનો મુખ્ય હેતુ વધુ રૂપિયા કમાવવાનો હોય છે.નિવૃત્ત આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે, જો ફરાળી લોટનો ઉપયોગ કરવામાં આવે તો તે મોંઘો આવતો હોય છે. જેમની સામે મકાઈનો લોટ વપરાય છે. જેથી કરીને વધુ નફો મેળવાય છે.

આ ભેળસેળ થઈ હોય તો નરી આંખે ખબર પડતી નથી. આના માટે આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરાતી હોય છે. લેબોરેટરીમાં પણ ખ્યાલ આવતો હોય છે કે આ ફરાળી લોટનો ઉપયોગ થયો હતો કે અનાજના લોટનો ઉપયોગ થયો હતો.

લોકોની આસ્થા સાથે જે રીતે છેડા થતા હોય છે તે જાણીને રાજકોટના લોકોમાં પણ ક્્યાંક આક્રોશ જોવા મળ્યો હતો. આ અંગે રાજકોટના લોકોએ કહ્યું હતું કે તેઓ આસ્થા સાથે આખો પવિત્ર શ્રાવણ માસ રહેતા હોય છે, ઉપવાસ કરતા હોય છે અને ઉપવાસ દરમિયાન જ્યારે આવી ખબર પડતી હોય છે કે તેમના વ્રતનો ભંગ થયો ત્યારે એક ધાર્મિક લાગણી દુભાતી હોય છે. આવા તત્વો સામે મહાનગરપાલિકાએ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.