GCCI બિઝનેસ વુમન કમિટીના વર્ષ 2025-26 ના અધિકારીઓનો પદગ્રહણ વિધિ યોજાઈ

GCCI ખાતે તેઓની બિઝનેસ વુમન કમિટીના વર્ષ ૨૦૨૫-૨૬ માટેના ચેરપર્સનનો પદગ્રહણવિધિ બુધવાર, તારીખ ૬ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ GCCI ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે ઝાયડસ ફાઉન્ડેશનના વાઇસ ચેરપર્સન શ્રીમતી મેહા પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નવા BWC ચેરપર્સન આશાબેન વઘાસિયાએ વર્ષ 2025-26 માટે તેઓનો કાર્યભાર સાંભળ્યો હતો જયારે નિવૃત થતા ચેરપર્સન પ્રાચીબેન પટવારીએ વર્ષ 2024-25 દરમિયાન થયેલ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
BWCના કો.ચેરપર્સન શ્રીમતી શાલુ લેખડિયાએ સ્વાગત પ્રવચન કરતાં મુખ્ય મહેમાન તેમજ અન્ય મહેમાનો અને સભ્યોની ઉપસ્થિતિની નોંધ લીધી હતી.
GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે વર્ષભર કરવામાં આવેલી પ્રવૃત્તિઓ બદલ BWC ના વિદાયમાન ચેરપર્સન પ્રાચીબેન પટવારી ને અભિનંદન આપ્યા. હતા. તેઓએ નવા ચેરપર્સન આશાબેનને પણ અભિનંદન આપ્યા હતા અને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
તેઓએ મુખ્ય મહેમાન શ્રીમતી મેહા પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને ઝાયડસ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેઓએ BWC ના વિવિધ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપવા, તેમને નવીનતમ વેપાર અને ઉદ્યોગ સંબંધિત વિકાસથી વાકેફ રાખવા અને ઉદ્યોગ સાહસિક તરીકેની તેમની ભૂમિકા માટે સજ્જ અને સશક્ત બનાવવાના BWC ના કાર્યોને બિરદાવ્યા હતા.
વર્ષ 2024-25ના ચેરપર્સન પ્રાચી પટવારીએ વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો તેમજ GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર અને પદાધિકારીઓનો વર્ષભરના સમર્થન બદલ આભાર માન્યો હતો. તેઓએ GCCI BWC ના નવા ચેરપર્સન આશાબેન વઘાસિયાને GCCI બિઝનેસ વુમન કમિટી માટે એક સુંદર વર્ષ સંપન્ન કરવા માટે તેઓના સંપૂર્ણ સમર્થન ની ખાતરી આપી હતી.
નવનિયુક્ત BWC ચેરપર્સન આશાબેન વઘાસિયાએ તેઓને સુંદર તક આપવા માટે GCCI નેતૃત્વનો આભાર માન્યો હતો અને મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા અને સુવિધા આપવા માટેની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેની તેઓની પ્રતિબદ્ધતા વિશે ઉલ્લેખ કર્યો હતો. તેઓએ નિવૃત્ત ચેરપર્સન પ્રાચીબેન પટવારીને તેઓના સફળ નેતૃત્વ માટે અભિનંદન આપ્યા હતા. તેઓએ BWC ના સભ્યોને આગામી વર્ષ દરમિયાન બધીજ પ્રવૃત્તિઓમાં સામેલ થવા આમંત્રિત કર્યા હતા.
BWC નોલેજ સિરીઝના હેડ શ્રીમતી સેજલ કુસુમગરે મુખ્ય મહેમાન શ્રીમતી નેહા પટેલનો ઔપચારિક પરિચય આપ્યો હતો. આ પ્રસંગે બોલતા, મુખ્ય મહેમાન શ્રીમતી મેહા પટેલે મહિલા ઉદ્યોગસાહસિકો માટે BWC ની સુંદર પ્રવૃત્તિઓ માટે અભિનંદન આપ્યા હતા તેમજ BWC ના નવા ચેરપર્સન આશાબેન વઘાસિયાને શુભેચ્છાઓ પાઠવી હતી.
તેઓએ માનનીય પ્રધાનમંત્રીશ્રીની “વિકસિત ભારત 2047” વિઝન નો ઉલ્લેખ કર્યો હતો અને ઉમેર્યું હતું કે મહિલા ઉદ્યોગસાહસિકો આ વિઝનને પૂર્ણ કરવામાં નોંધપાત્ર યોગદાન આપી શકે તેમ છે. તેઓએ ઝાયડસ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવતા મહિલા સશક્તિકરણ માટેના વિવિધ કાર્યો નો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ મહિલાઓ માટે કૌશલ્ય વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો જે આજીવિકા અને રોજગાર મેળવવામાં પણ મદદરૂપ થઇ શકે.
BWC ના બિઝનેસ ગ્રોથ હેડ શ્રીમતી રાધિકા શેઠ દ્વારા આભાર વિધિ પછી કાર્યક્રમનું સમાપન થયું હતું.