થરાદમાં પ્રેમસંબંધથી નારાજ પિતા અને કાકાએ પુત્રીની ટૂંપો દઈ ક્રૂર હત્યા

થરાદ, થરાદ તાલુકાના દાંતિયા ગામમાં માનવતાને શરમાવે એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતી યુવતીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ યુવતીએ પોતાના પ્રેમી સાથે મૈત્રી કરારમાં રહેવા લાગી હતી.
જે યુવતીના પિતા અને કાકાને મંજૂર ન હોવાથી દૂધમાં ગેનની ગોળીઓ આપ્યા બાદ ગળે ટૂંપો દઈ હત્યા કરી દીધી હતી. તેમજ આ હત્યાને આત્મહત્યામાં ખપાવી રાતોરાત યુવતીના અગ્નિસંસ્કાર કરી દીધી હતા. આ મામલે યુવતીના પ્રેમીએ ઉચ્ચ સ્તરે અરજી કરતાં પોલીસ તપાસમાં યુવતીની હત્યા કર્યાનું ખુલતાં યુવતીના પિતા અને કાકા સામે થરાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે.
પોલીસ ફરિયાદ મુજબ થરાદના દાંતિયા ગામની ચંદ્રિકા નામની યુવતી પાલનપુરમાં રહીને નીટ પરીક્ષાની તૈયારી કરતી હતી. આ દરમિયાન તેની મિત્રતા થરાદના વડગામડા ગામના હરેશ ચૌધરી સાથે થઈ હતી. આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગરતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યાે હતો. ચંદ્રિકાએ ફરીથી પાલનપુર જવાનું કહેતાં પરિવારે ભણવાની ના પાડી દીધી હતી.
આથી ચંદ્રિકાએ વાત સોશિયલ મીડિયા દ્વારા તેના પ્રેમી હરેશને જણાવી કહ્યું હતું કે, ‘મારા પરિવારના લોકો મને ભણવાની ના પાડે છે અને આપણા પ્રેમ સંબંધનો જો પરિવારજનોને ખ્યાલ આવશે તો મારા બીજે લગ્ન કરાવી દેશે અને મારો મોબાઇલ પણ લઈ લેશે, જેથી તું મને અહીથી લઇ જા’આથી ગત ૪ જૂન, ૨૦૨૫ના રોજ ચંદ્રિકા પોતાના પ્રેમી સાથે અમદાવાદ ગઈ હતી અને ત્યાં બંનેએ મૈત્રીકરાર કર્યા હતા. તે પછી રાજસ્થાન અને મધ્યપ્રદેશ ફરવા ગયા હતા.
જ્યારે ચંદ્રિકાના પરિવારજનોએ પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ગત ૧૨ જૂનના રોજ થરાદ પોલીસ આ બંનેને ભાલેસર (રાજસ્થાન)થી લઈ આવી હતી.
જેમાં યુવતીને પરિવારને સોંપી દેવામાં આવી હતી અને યુવક હરેશને અન્ય કેસોમાં ધરપકડ કરવામાં આવી હતી. જામીન બાદ હરેશે પોતાની ઇન્સ્ટાગ્રામ ચેક કરતા ચંદ્રિકાના મેસેજ વાંચ્યા જેમાં તેણે જીવન જોખમમાં હોવાનું કહ્યું હતું. આથી ગત ૨૩ જૂનના રોજ હરેશે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરી હતી.
૨૭ જૂનના રોજ ચંદ્રિકાને કોર્ટમાં હાજર કરવાનો આદેશ અપાયો હતો, પરંતુ તે પહેલાં ૨૪ જૂનની રાત્રે પિતાએ ભાઈ સાથે મળીને ઊંઘની દવા આપીને ચંદ્રિકાને ગળે ટૂંપો આપી ઘરમાં જ હત્યા કરી દીધી હતી અને આત્મહત્યા બતાવી અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા.SS1MS