Western Times News

Gujarati News

બોગસ દસ્તાવેજોના આધારે લોન આપવાનું કૌભાંડ બહાર આવ્યું

વડોદરા, વડોદરામાં એસબીઆઈમાં બોગસ દસ્તાવેજો રજૂ કરીને હોમલોન આપવાનું કૌભાંડ વ્હિસલ બ્લોઅર પોલીસીના આધારે બહાર આવ્યુ છે. બેન્કમાં છ ખાતામાં ખોટા આવકના પુરાવાઓ આપીને હોમલોન મેળવી હોવાની બેન્કના ફ્રોડ મોનીટરીંગ સેલમાં અમદાવાદ ખાતે થયેલી ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં સ્ફોટક વિગતો બહાર આવી છે.

લોનધારક, એસબીઆઇ સિક્યુરીટીઝ (એસએસએલ)ના એજન્ટ તથા બેન્કની માન્ય એવી અમદાવાદ સ્થિત લોનધારકના ડોક્યુમેન્ટ વેરીફીકેશન પેઢી કે. પ્રવિણચંન્દ્ર એન્ડ એસોશીએટના કર્મચારીઓની મીલીભગતથી કરોડોની ઉથલપાથલ થઇ હોવાનું બહાર આવ્યુ છે.

જેના આધારે બેન્ક દ્વારા નવ જેટલા લોન ધારકો, એસબીઆઇના બે એજન્ટ તથા અમદાવાદ સ્થિત પેઢીના પાંચ એક્ઝિક્યુટીવોની સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.સૂત્રો મુજબ બેન્કના ચીફ મેનેજર યજ્ઞેશ મનુભાઇ પટેલ દ્વારા ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. વડોદરાના ઇલોરાપાર્ક એસબીઆઇની આરએસીપીસી બ્રાન્ચમાંથી વિવિધ લોન વગેરે આપવાનું કામ ચાલતુ હોય છે.

લોન લેવા આપનાર કોણ ગ્રાહકે પહેલા એસબીઆઇ સિક્યુરીટીઝના એજન્ટને મળવાનું હોય છે. જ્યાં લોન ધારક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ મેળવીને ગ્રાહકનું ફોર્મ ભરીને ફાઇલ બનાવીને એજન્ટ મારફતે બેન્કમાં ફાઇલ જમા કરાવવાની હોય છે.

ફાઇલમાં દર્શાવવામાં આવેલા ગ્રાહકના રહેઠાણ તથા નોકરીના સ્થળનું વેરીફીકેશન કરવાનું બેન્ક દ્વારા અમદાવાદ સ્થિત કે. પ્રવિણચંન્દ્ર એન્ડ એસોસીએટ નામની પેઢીને સોંપવામાં આવ્યુ છે.

આ પ્રક્રિયા દરમિયાન કેટલાક બોગસ દસ્તાવેજોના આધારે કૌભાંડીઓની મીલીભગતથી લોન આપવામાં આવી હોવાનું ૨૦૨૪ના એપ્રીલ મહિનામાં અમદાવાદ સ્થિત એસબીઆઇના ળોડ મોનીટરીંગ સેલ દ્વારા વડોદરામાં તપાસના આદેશ થયા હતા.

બેન્કની ઉચ્ચ સ્તરીય તપાસમાં ૨૦૨૧થી ૨૦૨૨ દરમિયાન ખોટા આવકના પુરાવા રજૂ કરીને લોન લીધી હોવાનું બહાર આવ્યુ હતુ. આ હકીકતના આધારે ગોરવા પોલીસ મથકમાં લોન ધારક શંપા મીહીરભાઇ ચેટર્જી, ધીરજકુમાર રાજાભાઇ વાઘેલા, શેતલબેન ભાવેશભાઇ ધુળાભાઇ દેસાઇ, બાબુ મનુ સામી, અનિલ ગણપતભાઇ નાલવડે તથા શ્રીકાંતકુમાર શાનુભાઇ સોલંકીએ હોમ લોન મેળવવા માટે દર્શાવેલ નોકરીના સ્થળે કંપનીમાં નોકરી નહી કરતા હોવા છતાં દર્શક ઉર્ફે દર્શીત પટેલ, સંતોષ બાલકૃષ્ણ પાર્ટે તથા રણજીત આહીર સાથે કમિશન પેટે ૧.૭૦ લાખ જેટલી રકમમાં લોનધારકોના નામના ખોટા દસ્તાવેજો જેમાં આઇકાર્ડ, એપોઇન્ટમેન્ટ લેટ, સેલરી સ્લીપ, ફોર્મ ૧૬ તથા વિવિધ બેન્કના સ્ટેટમેન્ટ તૈયાર કરીને ફાઇલ બનાવી હતી.

જેના બેન્કના એજન્ટ શ્રી પ્રકાશ દ્વિવેદી તથા ધર્મેન્દ્ર વૃદાંવનભાઇ વાઘેલા મારફતે ઇલોરાપાર્ક ખાતેની બ્રાન્ચમાં રજુ કરી હતી. આ ફાઇલના દસ્તાવેજ કે. પ્રવિણચંન્દ્ર એન્ડ એસોસીએટ નામની પેઢીના ફિલ્ડ એક્ઝીક્યુટ વિપુલકુમાર અરવિંદભાઇ વાળંદ, ગજેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર, અમીરસોહેલ નબીમીયા કુરેશી તથા અક્લેશ ભીમસિંહ બારીયા તથા યશ નિમેશભાઇ પટેલ દ્વારા નોકરી અને રહેણાંકના સ્થળના વેરિફિકેશન કરીને ખોટા જોબ કન્ફર્મ રીપોર્ટ બેન્કમાં આપ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.