મહારાષ્ટ્રમાં હાથથી ખેંચાતી રિક્ષાની પ્રથા બંધ કરો અને ઈ-રિક્ષાની વ્યવસ્થા કરોઃ સુપ્રીમ કોર્ટ

ગુજરાતના કેવડિયામાં જેમ ઈ-રિક્ષાઓ ચાલે છે અને સ્થાનિક લોકોને ભાડે આપવામાં આવે છે તેવી વ્યવસ્થા કરો
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે માથેરાનમાં હાથથી ખેંચાતી રિક્ષાના ઉપયોગને અમાનવીય ગણાવીને બુધવારે મહારાષ્ટ્ર સરકારને આ પ્રથા છ મહિનાની અંદર પૂરતી થવી જોઈએ એવો નિર્દેશ આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ, ન્યાયમૂર્તિ કે. વિનોદ ચંદ્રન અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની ખંડપીઠે જણાવ્યું હતું કે ભારત જેવા વિકાસશીલ દેશમાં આવી પ્રથા ચાલુ રહેવી એ સમાજિક અને આર્થિક ન્યાયના બંધારણીય વચનોને ખંડિત કરે છે. આવી પ્રથા માનવ ગૌરવ અને મૌલિક હક્કોની ભાવનાના વિરુદ્ધ છે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે માથેરાનમાં હાથથી ખેંચાતી રિક્ષાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ અને તેના બદલામાં ઈ-રિક્ષાની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. રાજ્ય સરકારે ગુજરાતના કેવડિયામાં જેમ ઈ-રિક્ષાઓ ચાલે છે અને સ્થાનિક લોકોને ભાડે આપવામાં આવે છે, તેવી જ શક્યતાઓ માથેરાનમાં શોધવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર ભારતના આટલા વર્ષો પછી પણ આ પ્રકારની અમાનવીય વ્યવસ્થાની ચાલી રહી હોવાની ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને તાત્કાલિક બંધ કરવા પર ભાર મુક્યો હતો.