Western Times News

Gujarati News

પૂર બાદ બાવળામાં સ્વચ્છતાની સઘન કામગીરી: ૨૫ ટન કચરાનો નિકાલ

બાવળામાં વરસાદી પાણીના કારણે ઉદભવતી સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી-૧૩ પંપોથી પાણી ઉલેચવાની કામગીરી ચાલુ

તાજેતરમાં બાવળા અને આસપાસના પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ સર્જાયેલી પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાના નિવારણ માટે બાવળા નગરપાલિકા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્તપણે સઘન સફાઈ ઝુંબેશ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉપરવાસમાંથી સતત પાણીની આવક અને પાણી ભરાવાના કારણે ગંદકીનું પ્રમાણ પુષ્કળ વધ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માનનીય પ્રાદેશિક કમિશનર શ્રી પ્રશાંત જીલોવાની પહેલથી, AMC તરફથી વધારાના સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં, AMC દ્વારા અંદાજે ૭૦ જેટલા સફાઈ કર્મચારીઓ, ૪ ડમ્પર અને ૨ JCB પૂરા પાડવામાં આવ્યા છે, જે બાવળા નગરપાલિકાની ટીમ સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.

આ સંયુક્ત ઝુંબેશના ભાગરૂપે, સોસાયટીઓ, ગામતળના મુખ્ય માર્ગો અને પાણી ભરાયેલા વિસ્તારોની આસપાસના કચરાનો યુદ્ધના ધોરણે નિકાલ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દૈનિક ૭ ટન કચરાની સામે, આ ટીમો દ્વારા એક જ દિવસમાં ૨૫ થી ૩૦ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રોગચાળો ફેલાતો અટકાવવા માટે અંદાજે ૭૦૦ કિલોગ્રામ જેટલી જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે.

આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે, નગરપાલિકા અને આરોગ્યતંત્રના સહયોગથી સુપર ક્લોરીનેશન યુક્ત પાણી પૂરું પાડવાની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. પીવાના પાણીના ક્લોરીનેશનના નમૂનાઓ નિયમિતપણે ચેક કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર કામગીરીનું નિયંત્રણ અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકાર દ્વારા બાવળા નગરપાલિકામાં બે ચીફ ઓફિસર અને બે એન્જિનિયરની નિમણૂક કરવામાં આવી છે. તે ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પણ ૪ સુપરવાઇઝર અને ૨ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે.

રજોડા અને રાસમ ગામના ખેતી વિસ્તારોમાંથી સતત પાણીની આવક ચાલુ હોવાના કારણે શહેરના કેટલાક વિસ્તારો જેવા કે બળીયાદેવ, રત્નદીપ, સ્વાગત સોસાયટી, વોર્ડ નંબર ૬ અને ૭ના અમુક વિસ્તારો, તેમજ વલ્લભનગર સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલું છે. આ પાણીના નિકાલ માટે AMC, GUDC, GIDC અને નગરપાલિકા દ્વારા ૧૩ જેટલા ડી-વોટરિંગ પંપો મારફતે સતત કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જે પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેઓની રહેવા અને જમવાની વ્યવસ્થા અટલ હોલ ખાતે કરવામાં આવી છે.

વરસાદી પાણીના કારણે ઉદભવતી સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે, જેણે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. આ કમિટીનો અહેવાલ ઝડપથી સરકારમાં રજૂ કરવામાં આવશે. નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.