AMC અધિકારીઓએ સવારે બે કલાક ઓફિસમાં ફરજીયાત હાજરી આપવી પડશે

જયશંકર સુંદરી ઓડિટોરિયમનું રીનોવેશન કરવામાં આવશે- દેવાંગ દાણી
(પ્રતિનિધિ)અમદાવાદ , અમદાવાદ મ્યુનિસિપલ ભાજપ માટે નાગરિકો અને તેમની સુખાકારી અત્યંત મહત્વના છે. નાગરિકો તેમના પ્રશ્નો ની રજુઆત કરવા માટે આવે ત્યારે અધિકારીઓ ઓફિસમાં હાજર રહે તે જરૂરી છે. આ ઉપરાંત જયશંકર સુંદરી હોલ નું રીનોવેશન કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે વધુ માં જણાવ્યું હવે ડે. કમિશનર સહિત તમામ અધિકારીઓએ દરરોજ સવારે ૧૧ થી ૧ કલાકે ઓફિસમાં રહેવું ફરજિયાત રહેશે, જેથી નાગરિકો સીધી રજૂઆત કરી શકે.
આગામી રક્ષાબંધન તહેવારની ભેટ તરીકે, એએમટીએસ અને બીઆરટીએસમાં મહિલાઓ માટે મફત મુસાફરીની પણ જાહેરાત કરાઈ છે, જે માટે અલગથી બજેટ ફાળવવામાં આવશે. જયશંકર સુંદર હોલ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો છે. અહીં ભવિષ્યમાં આધુનિક સુવિધાવાળું ઓડિટોરિયમ તૈયાર થશે, જેના રિનોવેશન માટે કાર્યવાહી શરૂ થઈ છે.
ભવિષ્યના વિકાસને ધ્યાનમાં લઈને જાસપુર ખાતે ૪૦૦ એમએલડી ક્ષમતા ધરાવતો નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જમીન ફાળવણી કરવામાં આવી છે. ભવિષ્યમાં ના વિકાસ અને વસ્તી વધારાને ધ્યાનમાં લઈ નવો પ્લાન્ટ બનાવવામાં આવશે. રાસ્કા પ્લાન્ટ ની ક્ષમતામાં પણ વધારો કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના જંકશનો પર સીસીટીવી લગાવ્યા બાદ હવે મ્યુનિસિપલ મિલ્કતો માં પણ એક હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
મ્યુનિસિપલ ટેકનિકલ વિભાગમાં ફેરફાર અંતર્ગત હવે એડી.સીટી ઈજનેર (ઝોન) વોટર એન્ડ ડ્રનેજ વિભાગ જોઈશે, જ્યારે બીજા એડી. સીટી ઈજનેર રોડ એન્ડ બિલ્ડીંગના વિષય સાંભળશે. વસ્ત્રાલમાં સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે, જ્યાં યુવાવર્ગને રમતગમત માટે વિસ્તૃત તકો મળશે.
દેવાંગ દાણીના જણાવ્યા મુજબ, “આ તમામ પગલાં મ્યુનિસિપલ તંત્રના દૃઢ ઇરાદાની સાક્ષી આપે છે કે જ્યાં વિકાસ સાથે જવાબદારી, પારદર્શિતા અને નાગરિક સુખાકારી મુખ્ય લક્ષ્ય છે.”