ડીસા અર્બુદા વિદ્યાલયથી લઈને સરદાર બાગ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

આ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.હિતેશ પટેલ ઉપસ્થિત રહી ચાર વેદોનું પૂજન કરી શંખનાદ સાથે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું
ડીસા, સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં ૦૬ ઓગસ્ટ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ ઉપક્રમે બનાસકાંઠા સંસ્કૃત શિક્ષણ પરિવાર દ્વારા ડીસા અર્બુદા વિદ્યાલય થી લઈને સરદાર બાગ સુધી જિલ્લા કક્ષાની ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. આ યાત્રામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.હિતેશ પટેલ ઉપસ્થિત રહી ચાર વેદોનું પૂજન કરી શંખનાદ સાથે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં ટેબ્લોના માધ્યમથી પ્રતિકૃતિ સહિત યજ્ઞસેવા-વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું હતું તેમજ વિદ્યાર્થીઓએ યાત્રામાં પૌરાણિક પાત્રો રામ-લક્ષ્મણ-જાનકી, નારદમૂની, અર્જૂન, શ્રીકૃષ્ણ સહિતની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રોને તાદ્રશ્ય કર્યા હતાં.
સરદાર બાગ, ડીસા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા સમાપન પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. હિતેશ પટેલ દ્વારા સંસ્કૃત વિષયની આજના સમયમાં મહત્વ અને શિક્ષણમાં તેનો પ્રચાર અને પ્રસાર વિશે ઉપસ્થિતોને સમજ આપી હતી.
તદુપરાંત વિદ્યાર્થીઓએ બેનર્સના માધ્યમથી ‘સંસ્કૃત ભાષા, સરળ ભાષા’, ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘રાષ્ટ્રની આત્મા, સંસ્કૃત ભાષા’, ‘બહુજન હિતાય બહુજન સુખાય’, ‘જીવનનું સૌંદર્ય સંસ્કૃત છે’ વગેરે સૂત્રોના માધ્યમથી ‘જ્યાં સંસ્કૃત ત્યાં સંસ્કૃતિ’નો સંદેશ આપ્યો હતો.
આ યાત્રામાં પઠત્ સંસ્કૃતમ્, વદત્ સંસ્કૃતમ્ ‘જયતુ સંસ્કૃતમ્ સહિતના સંસ્કૃત શ્લોક અને ગીતોના માધ્યમથી સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ ગૌરવ યાત્રામાં વિવિધ શાળાઓના આચાર્યો, સંસ્કૃત અધ્યાપન કરાવતા શિક્ષકો, સ્વયં સેવકો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.