અજાણ્યા લોકોના નામે બોગસ ડોક્યુમેન્ટ બનાવી કરોડોની લોનનું કૌભાંડ પકડાયું

બેંકના અધિકૃત એજન્ટોએ અન્ય થર્ડ પાર્ટી એજન્ટો સાથે મળીને કરોડોનો કાંડ કર્યુ
SBI બ્રાન્ચમાં ૧.૯૭ કરોડના લોન કૌભાંડમાં ૧૬ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે આ તમામ પર બોગસ દસ્તાવેજોને આધારે લોન મંજૂર કરાવવાના આરોપ છે-
(એજન્સી) વડોદરા, વડોદરામાં કથિત રીતે બેંકના અધિકૃત એજન્ટોએ અન્ય થર્ડ પાર્ટી એજન્ટો સાથે મળીને ભારતની સૌથી મોટી એવી SBI બેંક સાથે કરોડોનો કાંડ કરી નાખ્યો છે. આ કૌભાંડનો મામલો છે વડોદરા શહેરમાં ઇલોરાપાર્ક ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચનો. જ્યાંના ચીફ મેનેજર યજ્ઞેશ પટેલે આ મામલે કુલ ૧૬ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
આ આખો કાંડ સમજવા માટે ખાસ કરીને ઇલોરાપાર્ક બ્રાન્ચની SBI બેંકમાં હોમ લોનની આખી પ્રોસેસ જાણવી જરૂરી છે. ચીફ મેનેજર યજ્ઞેશ પટેલના કહેવા અનુસાર, અહીં હોમ લોન માટે SBI બેંક અને પ્રવિણચંદ્ર એન્ડ એસોસિએટ્સ નામની એક પેઢી વચ્ચે કરાર થયા છે. જે અનુસાર બેંકમાં કોઈપણ વ્યક્તિ હોમ લોન માટે અરજી કરે, ત્યારે પ્રવિણચંદ્ર એન્ડ એસોસિએટ્સ પેઢી, તે લોન અરજદારના દસ્તાવેજોને આધારે ફિલ્ડ વિઝિટ કરી, એક રિપોર્ટ તૈયાર કરશે.
જેમાં લોન અરજદારની પ્રોપર્ટી, તેની નોકરી, નોકરી પરનો હોદ્દો અને અન્ય જરૂરી દસ્તાવેજોને ધ્યાને લેવાય છે. પ્રવિણચંદ્ર એન્ડ એસોસિએટ્સ પેઢી આ તમામ પાસાને ધ્યાને લઈને રિપોર્ટ તૈયાર કરી, બેંકમાં સબમિટ કરે છે અને બેંક આ રિપોર્ટને આધારે લોન મંજૂર કરવી કે કેમ તેનો નિર્ણય કરે છે.
લોન લેનારનું એક જ સપનું હોય છે કે, તેમના પોતાના નામનું એક ઘર હોય. પરંતુ લોન માટેની આ આખી પ્રોસેસમાં હોમ લોન લેનારને પેપર વર્કનું કોઈ જરૂરી જ્ઞાન હોતું નથી, એ માટે તેઓ અન્ય કોઈ એજન્ટનો સંપર્ક કરે છે અને આ બાબતે વધુ કાંઈ વિચાર્યા વિના વચેટીયા એજન્ટો કહે, તેમ લોન અરજદારો કરતા જાય છે. અમુક કિસ્સામાં આ બાબતનો ફાયદો ઉઠાવીને વચ્ચેટીયાઓ કાંડ કરતા હોય છે
પરંતુ અહીં ઇલોરાપાર્ક બ્રાન્ચની SBI બેંકમાં માત્ર વચેટીયા એજન્ટો જ નહીં, પરંતુ લોનધારકો, પેઢીના કર્મચારીઓ બેંકના અધિકૃત એજન્ટોએ સાથે મળીને કરોડો રૂપિયાનો આ કાંડ કરી નાખ્યો છે આવું પોલીસ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે.પોલીસ ફરિયાદ મુજબ, આ કૌભાંડ વર્ષ ૨૦૨૧-૨૨માં થયું છે.
આ સમય દરમિયાન ૬ જેટલા અરજદારોએ વચેટીયા એજન્ટોના માધ્યમથી ઇલોરાપાર્ક બ્રાન્ચની બેંકમાં હોમ લોન માટે અરજી કરી હતી. જે આ આખી પ્રોસેસ બાદ મંજૂર પણ થઈ, જેની કુલ કિંમત ૧.૯૭ કરોડની છે. પરંતુ સમય જતાં આ તમામ લોનધારકોએ હપ્તા ભરવાનું બંધ કરી દેતા બેંકે તપાસ શરુ કરી અને તપાસ દરમિયાન ચોંકાવનારા ઘટસ્ફોટ થતા આખો મામલો પ્રકાશમાં આવ્યો છે.
બેંકે તપાસ માટે લોન ધારકોના દસ્તાવેજોને આધારે બેંકના કર્મચારીઓને ફિલ્ડ વિઝીટ માટે મોકલ્યા હતા. જે દરમિયાન જાણવા મળ્યું કે, ડોક્્યુમેન્ટમાં ઉલ્લેખ મુજબ લોનધારકો તે સ્થળે નોકરી કરતા નથી અને આ તમામ દસ્તાવેજો બોગસ છે.
એજન્ટોએ આ ૬ લોનધારકો માટે લોનની રકમ મુજબ કોઈને પ્રોજેક્ટ મેનેજર તો કોઈને સ્ટોર સુપરવાઈઝર બતાવીને ખોટા દસ્તાવેજો ઉભા કર્યા છે. આટલું જ નહીં આ એજન્ટોએ ઇન્કમ ટેક્સના ફોર્મ-૧૬, બેંક સ્ટેટમેન્ટ અને પગાર સ્લીપ જેવા દસ્તાવેજો પણ બોગસ રીતે બનાવેલા છે. આ માટે તેમને ૧.૭૦ લાખનું કમિશન મળતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
તપાસમાં જાણવા મળ્યું કે, આ બોગસ દસ્તાવેજોની ફાઈલ એજન્ટો બેંકમાં સબમિટ કરતા હતા, જે બાદ બેંક અને પ્રવિણચંદ્ર એન્ડ એસોસિએટ્સ વચ્ચેના કરાર મુજબ પ્રવિણચંદ્ર એન્ડ એસોસિએટ્સના કર્મચારીઓ આ લોનધારકોની નોકરીના સ્થળની મુલાકાત લીધી અને ત્યાં લોનધારકોની નોકરી ન હોવા છતાં ઇન્કટેક્સના ફોર્મ-૧૬, બેંક સ્ટેટમેન્ટ અને પગાર સ્લીપ જેવા બોગસ દસ્તાવેજોની સાચા તરીકે ખરાઈ કરી, બોગસ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને તેને બેંકમાં સબમિટ કર્યો હતો.
જે રિપોર્ટ્સને આધારે બેંકે આ તમામ ૬ અરજદારોને મળીને કુલ ૧.૯૭ કરોડની લોન આપી દીધી હતી.જોકે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા બેંકના ચીફ મેનેજર યજ્ઞેશ પટેલે આખા કાંડમાં સામેલ ૬ લોનધારકો સહિત, બોગસ દસ્તાવેજો બનાવનાર ૩ એજન્ટો, ફિલ્ડ વિઝીટ કરી ખોટા દસ્તાવેજોની સાચો હોવાની ખરાઈ કરનાર પ્રવિણચંદ્ર એન્ડ એસો.ના ૫ કર્મચારીઓ અને બેંકમાં લોન પાસ કરાવનાર બેંકના ૨ અધિકૃત એજન્ટ મળી કુલ ૧૬ લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે હાલ આ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
નોંધનીય છે કે, દરેક માણસનું સપનું હોય છે કે, તેના નામનું એક ઘર હોય અને આ સપનું પુરુ કરાવવા માટે બેંકોએ સરળ ઉપાય શોધી કાઢ્યો છે હોમ લોન. પરંતુ આ માટે પણ થોડા કાયદા-કાનુન અને પ્રોપર પેપર વર્ક જરૂરી છે. જે માટેની તમામ સુવિધા પુરી પાડી સામાન્ય વ્યક્તિ (લોન ધારક) અને બેંકો (લોન આપનાર) વચ્ચેનો એક બ્રિજ બને છે એજન્ટો.
જેને આપણે આમ બોલચાલની ભાષામાં વચેટીયાઓ કહીએ છીએ. આવા વચેટીયાઓ સાથે મળીને રખડતા-ફરતા લોકોએ SBI જેવી બેંકમાં હોમ લોનના નામે કરોડોનો કાંડ કરી નાખ્યો છે. જે ઘટનાએ ગુજરાતભરમાં હાલ ચર્ચા જગાવી છે. SS