Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એકજૂટ થયા અલ્હાબાદ હાઈકોર્ટના ૧૩ જજ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પ્રશાંત કુમાર સામે આપેલા આદેશથી ન્યાયતંત્રમાં અગવડતા અને વિરોધનું મોજું ફરી વળ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટના ઓછામાં ઓછા ૧૩ જજોએ ચીફ જસ્ટિસ અરુણ ભસાલીને પત્ર લખીને આ આદેશ સામે ફુલ કોર્ટ મીટિંગ બોલાવવાની માંગ કરી છે.

ચોથી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ આર. મહાદેવનની બનેલી બેન્ચે એક ફોજદારી કેસમાં ન્યાયાધીશ પ્રશાંત કુમાર દ્વારા આપવામાં આવેલી સુનાવણી અને ચુકાદા પર કડક ટિપ્પણી કરી હતી.

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આદેશ આપ્યો હતો કે, ‘જસ્ટિસ કુમારને ફોજદારી કેસોની સુનાવણીથી અલગ કરવામાં આવે. તેમને નિવૃત્તિ સુધી વરિષ્ઠ ન્યાયાધીશ સાથે ડિવિઝન બેન્ચમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવે.’જસ્ટિસ અરિંદમ સિંહાએ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને એક ઔપચારિક પત્ર લખીને સુપ્રીમ કોર્ટના આદેશ પર ઊંડો આઘાત અને વ્યથા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું, ‘ચોથી ઓગસ્ટનો આદેશ કોઈપણ સૂચના જારી કર્યા વિના પસાર કરવામાં આવ્યો હતો અને ન્યાયાધીશ પ્રશાંત કુમાર સામે ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.’જસ્ટિસ સિંહાએ સૂચન કર્યું કે, ‘ફુલ કોર્ટે નક્કી કરવું જોઈએ કે તે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરશે નહીં કારણ કે સુપ્રીમ કોર્ટનું હાઈકોર્ટની વહીવટી કાર્યવાહી પર કોઈ નિયંત્રણ નથી.’

તેમણે એવો પણ પ્રસ્તાવ મૂક્યો કે કોર્ટે આદેશની ભાષા અને સ્વર પર પણ પોતાની નારાજગી નોંધાવવી જોઈએ.અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટના કેટલાક વરિષ્ઠ ન્યાયાધીશોએ પણ જસ્ટિસ પારડીવાલાની બેન્ચ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો સાથે પોતાનો અસંમતિ વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટે જસ્ટિસ પ્રશાંત કુમાર સંબંધિત કેસને ફરીથી સૂચિબદ્ધ કર્યાે છે.

આ કેસ ખાનગી કંપની મેસર્સ શિખર કેમિકલ્સ દ્વારા દાખલ કરાયેલી ફોજદારી ફરિયાદ સાથે સંબંધિત છે. કંપનીએ ૫૨.૩૪ લાખ રૂપિયાનો થ્રેડ પૂરો પાડ્યો હતો, જેમાંથી ૪૭.૭૫ લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. ફરિયાદીએ બાકીની રકમ અંગે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.

આના પર આરોપી પક્ષે ફોજદારી કેસનો અંત લાવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. દલીલ કરી હતી કે આ કેસ એક ખાનગી વિવાદ છે અને તેને ખોટી રીતે ફોજદારી સ્વરૂપ આપવામાં આવ્યું છે.

પાંચમી મે ૨૦૨૫ના રોજ ન્યાયાધીશ પ્રશાંત કુમારે અરજી ફગાવી દેતા ટિપ્પણી કરી હતી કે, ‘સિવિલ કેસોમાં ઘણો સમય લાગે છે, તેથી આ કેસમાં ફોજદારી કાર્યવાહી યોગ્ય છે.’ સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીને કાયદેસર રીતે અસ્વીકાર્ય ગણીને આદેશ રદ કર્યાે અને કેસને બીજા ન્યાયાધીશને મોકલવાનો નિર્દેશ આપ્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.