સખીમંડળની પ્રત્યેક બહેનોએ રાખડી બનાવીને વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ની આવક મેળવી

રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!-ગુજરાતના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની ૧૫,૦૦૦થી વધુ બહેનોએ રાખડી બનાવીને આવકનો નવો સ્ત્રોત ઊભો કર્યો
Ø ગાંધીનગર જિલ્લાના જય ગજાનંદ મિશન મંગલમ સખીમંડળની પ્રત્યેક બહેનોએ ફુરસતના સમયમાં રાખડી બનાવીને વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ની આવક મેળવી
Ø નવસારી જિલ્લાના રામદેવપીર સખીમંડળને રાખડીના વેચાણ માટે “વન સ્ટેશન, વન પ્રોડક્ટ” અંતર્ગત નવસારી રેલવે સ્ટેશન ખાતે સ્ટોલ ફાળવવામાં આવ્યો
Ø રાજ્ય સરકારે વિવિધ જિલ્લામાં રાખી મેળાનું આયોજન કરીને સખીમંડળની બહેનોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું
Ø સખીમંડળ દ્વારા સ્થાનિક વસ્તુઓથી બનાવવામાં આવેલી ઇકોફ્રેન્ડલી રાખડીઓનું ધૂમ વેચાણ થયું
ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણને તહેવારના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમને ઉજવવાનો તહેવાર, રક્ષાબંધન પણ આ પવિત્ર મહિના દરમિયાન જ આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે, રાખડી બાંધીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરે છે. ગુજરાતમાં રક્ષાબંધનનો તહેવાર સ્વ-સહાય જૂથની અનેક બહેનોના આત્મનિર્ભરતા અને સશક્તિકરણની ગાથા બની રહ્યો છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી રક્ષાબંધન નિમિત્તે રાજ્યના અનેક સ્વ-સહાય જૂથની બહેનો અવનવી ડીઝાઇનની રાખડીઓ બનાવીને અને તેનું વેચાણ કરીને આત્મનિર્ભર બની રહી છે.
માત્ર હાથથી બનાવેલી રાખડી જ નહિ, પરંતુ રક્ષાબંધન તહેવારને અનુરૂપ ગિફ્ટ હેમ્પર્સ પણ બનાવે છે. જેમાં આ બહેનો રાખડી, મીઠાઈ, કંકાવટી, આરતીની સુશોભિત થાળી જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ કરે છે. ગુજરાતભરના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની આશરે ૧૫,૦૦૦થી વધુ બહેનો રાખડી અને ગિફ્ટ હેમ્પર્સ બનાવીને તેનું રીટેઈલ અને હોલસેલ વેચાણ કરીને સન્માનજનક આવક મેળવી રહી છે.
આ બહેનો દ્વારા હાથથી બનાવવામાં આવતી આ રાખડીમાં સાડી, કપડાના ટુકડા, માટી, શણ, છાણ જેવી ઇકો ફ્રેન્ડલી ચીજ-વસ્તુઓનો સમાવેશ કરીને તેને સ્થાનિક સ્થાનિક કલાથી શણગારવામાં આવે છે. સ્થાનિક વસ્તુઓથી બનેલી આ રાખડી બજાર ભાવની તુલનાએ સસ્તી અને ભાવનાત્મક રીતે જોડાયેલી હોવાથી તેનું સ્થાનિક બજાર, સરસ મેળા, સ્કૂલો, ઓફિસો અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ધૂમ વેચાણ થઇ રહ્યું છે. આ રાખડીઓ માત્ર સુતરનો તાંતણો નથી, પણ આ બહેનોના સપના, મહેનત અને આશાનું પ્રતીક છે.
રાખડી બનાવતી સ્વ-સહાય જૂથની બહેનોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં “રાખી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળામાં રાખડીઓની સાથે સખી મંડળની બહેનો દ્વારા તહેવાર માટે તૈયાર કરાયેલી મીઠાઈઓ, આરતીની સુશોભીત થાળી, કંકુ અને ચોખા માટે ડેકોરેટિવ કંકાવટી, ફરાળી તેમજ અન્ય નાસ્તાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
:ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ:
ગુજરાતના અનેક ગામોમાં એવી ઘણી મહિલાઓ હતી, જેમની પાસે કલા અને સર્જનશીલતા હતી પરંતુ તેઓ ઘરકામ સિવાય અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલી ન હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પ્રોત્સાહનથી હવે આવી મુઠ્ઠી ઉંચેરી મહિલાઓ માટે સ્વ-સહાય જૂથ આશાનું કિરણ બન્યું છે. સ્વ-સહાય જૂથો સાથે જોડાઈને ગુજરાતની અનેક મહિલાઓ આજે સ્વનિર્ભર બની છે. રાજ્ય સરકારે સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ પણ કાર્યરત કરી છે.
ગાંધીનગરના શેરથા ગામનું “જય ગજાનંદ મિશન મંગલમ સખીમંડળ”
ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં કાર્યરત ‘જય ગજાનંદ મિશન મંગલમ’ સ્વ-સહાય જૂથની બહેનો સમગ્ર વર્ષ દરમિયાન રાખડીઓ બનાવે છે. તહેવારના સમયમાં જૂથનાં જ એક બહેન પોતાની કટલરીની દુકાનમાં આ રાખડીઓનું વેચાણ કરે છે. જ્યારે, બાકીના સમયમાં રાખડીઓનું હોલસેલ માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. ઘરે બેઠા પોતાના ફુરસતના સમયે રાખડી બનાવીને આ સખી મંડળની પ્રત્યેક બહેનો પ્રતિમાસ ઓછામાં ઓછી રૂ. ૬,૦૦૦ અને વાર્ષિક રૂ. ૭૨,૦૦૦ જેટલી આવક મેળવીને આત્મનિર્ભર બની છે.
નવસારીના ધકવાડા ગામનું “રામદેવપીર સખીમંડળ”
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધકવાડા ગામના “રામદેવપીર સખીમંડળ” સાથે જોડાયેલી બહેનો છેલ્લાં બે વર્ષથી માત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડી બનાવીને તેનું વેચાણ કરે છે. આ સખી મંડળની બહેનો રક્ષાબંધન નિમિત્તે માત્ર રાખડીના વેચાણથી જ વર્ષે રૂ. ૧૨,૦૦૦ સુધીની વધારાની આવક મેળવી રહ્યા છે. આ સખી મંડળની બહેનો દ્વારા રાખડી સિવાય હેન્ડમેઇડ જ્વેલરી, તોરણ, કપડાં જેવી અન્ય વસ્તુઓ પણ બનાવે છે.
રામદેવપીર સખીમંડળના પ્રમુખ શ્રી હિરલબેનના જણાવ્યા મુજબ ભારત સરકારની “વન સ્ટેશન, વન પ્રોડક્ટ” કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના રેલ્વે સ્ટેશન ખાતે તાજેતરમાં જ રાખડીના વેચાણ માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. આ સ્ટોલનું સમગ્ર સંચાલન અને રાખડીનું વેચાણ રામદેવપીર સખીમંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેનાથી રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને સખીમંડળની બહેનોને સારી આવક થઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા મહિલા સ્વ-સહાય જૂથોને ફંડ અને સહાય ઉપરાંત આજીવિકાલક્ષી પ્રવૃતિઓની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે જ, બેંકો સાથે જોડાણ કરવામાં, ઉત્પાદનોની ગુણવત્તા સુધારવામાં તથા બજારની માંગ મુજબ વસ્તુઓ બનાવવામાં પણ મદદ કરે છે. આ પ્રયાસોથી બહેનોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળે છે અને તેઓ સારી કમાણી કરી શકે છે.