દરેક બાંધકામની સ્કીમ ગ્લોબલ સ્ટાન્ડર્ડની બને અને એક પણ ઇંચનું ખોટું બાંધકામ નથી જ કરવાનું: મુખ્યમંત્રી

રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતની ‘ચેન્જ ઓફ ગાર્ડ‘ સેરેમની યોજાઈ
રાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને.
–: મુખ્યમંત્રી શ્રી:–
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે
- રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને
- બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાત દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમનીનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આ નવા હોદ્દેદારો આગામી ૨૦૨૫-૨૭ના કાર્યકાળ માટે પદભાર સંભાળશે.
Ahmedabad, આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે દુનિયા જાણે છે કે ભારત વૈશ્વિક લક્ષ્યો હાંસલ કરવા માટે સક્ષમ બન્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળીશું એવા આત્મવિશ્વાસ સાથે આ સેક્ટર આગળ વધી રહ્યું છે.”
તેમણે ગુજરાત સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ નીતિઓની ભૂમિકા આપતા કહ્યું કે, આ નીતિઓને કારણે રાજ્યમાં નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણ પ્રિય અને આધુનિક બની રહ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે રિયલ એસ્ટેટ સેક્ટર સરકારની નીતિઓથી સંતુષ્ટ છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, નવી કન્સ્ટ્રક્શન સાઈટમાં ગ્રીન કવર અને વોટર હાર્વેસ્ટિંગ જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર ઈચ્છે છે કે ગુજરાતનું રિયલ એસ્ટેટ સેક્ટર નીતિ નિર્માણની પ્રક્રિયામાં રચનાત્મક સૂચનો આપીને સહભાગી બને.
તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ પર ભાર મૂકીને કહ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે આપણો દેશ આત્મનિર્ભર બને.
સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરની તમામ રજૂઆત સાંભળવા તૈયાર છે સાથે જ કોઈ ગેરલાભ ન લઈ જાય તેનું પણ સરકાર ધ્યાન રાખે છે.
તેમણે ઉમેર્યું કે, આપણે બાંધકામ ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે આત્મનિર્ભર બનવાનું છે. દરેક સ્કીમ ગ્લોબલ સ્ટાન્ડર્ડની બને અને એક પણ ઇંચનું ખોટું બાંધકામ નથી જ કરવાનું એવા અભિગમ સાથે આગળ વધવાનું છે.
આ પ્રસંગે શ્રી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, “અમદાવાદને ગિફ્ટ સિટી, ઓલમ્પિક ડ્રીમ અને ધોલેરા જેવા મોટા પ્રકલ્પો મળ્યા છે, એટલે અમદાવાદ એક આધુનિક યુગના નવા જંકચર પર ઊભું છે. ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરનો વિકાસ રાજ્ય સરકારના સહકારથી આકાશને આંબી રહ્યો છે.”
નવનિયુક્ત પ્રમુખ શ્રી આલાપ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, “અમદાવાદ સમગ્ર દેશનું ફાઈનાન્સિયલ કેપિટલ અને ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા તરફ અગ્રેસર છે. સમગ્ર વિશ્વનું ધ્યાન અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા સૌ સ્ટેક હોલ્ડરની જવાબદારી વધી જાય છે.”
આ કાર્યક્રમમાં ક્રેડાઈ ગુજરાત અને અમદાવાદના નવા હોદ્દેદારોની નિમણૂક સાથે, ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સહકારને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ સહિત ગુજરાત ભરના રિયલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા વ્યવસાયીકો ઉપસ્થિત રહ્યા હતા.