પેરાસિટામોલ સહિત ૩૭ દવાના ભાવ સરકારે નક્કી કર્યા

નવી દિલ્હી, એન્ટીબાયોટિક અને પેન કિલર દવાઓ પર હવે કંપનીઓ મનમાની રીતે કિંમત વસૂલી શકશે નહીં. કેન્દ્ર સરકારે તેના માટે કિંમત નક્કી કરી દીધી છે. કેન્દ્ર સરકારે ઈમરજન્સી ઉપયોગની ચાર દવાઓ અને ૩૭ એન્ટીબાયોટિક અને દુખાવા દૂર કરતી દવાઓની કિંમત નક્કી કરી દીધી છે.
એટલે કે તેનાથી વધારે કિંમત પર તેને હવે કોઈ કેમિસ્ટ વેચી શકશે નહીં. આ કિંમતો રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ દ્વારા નક્કી કરી છે. આ દવાઓમાં મુખ્યત્વે ઈંફેક્શન, હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીઝ, વિટામિન અને પેનકિલર સામેલ છે.
એનપીપીએએ જણાવ્યું છે કે બ્રાન્ડેડ હોય કે જનેરિક, બંને પ્રકારની દવાઓને સીલિંગ પ્રાઈસ (જીએસટી સહિત) કરતા વધુ કિંમતે વેચતી ઉત્પાદક કંપનીઓએ સુધારો કરવો પડશે. આ દવાઓની કિંમત સીલિંગ પ્રાઈસ કરતા વધુ ન હોવી જોઈએ.
જો કે, એનપીપીએએ કહ્યું કે જેમના મેક્સિમમ રિટેલ પ્રાઈસ (એમઆરપી) સીલિંગ પ્રાઈસ કરતા ઓછી છે, તેઓ હાલની એમઆરપી જાળવી રાખશે. આ ઇમરજન્સી ઉપયોગની દવાઓમાં ઇપ્રાટ્રોપિયમનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝથી પીડિત લોકોમાં થાય છે. આ દવા શ્વાસ સંબંધિત બીમારીઓમાં ઉપયોગમાં લેવાય છે. આ દવા ખાંસી અને છાતીમાં જકડણ અટકાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.
શ્વાસ સંબંધિત બીમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવા ઇપ્રાટ્રોપિયમનો સીલિંગ પ્રાઈસ ૨.૯૬ રૂપિયા પ્રતિ મિલીલીટર નક્કી કરવામાં આવ્યો હતો. આ જ રીતે હાઈ બ્લડ પ્રેશરની ઇમરજન્સી સ્થિતિમાં અથવા તેને કંટ્રોલ કરવા માટે અથવા હાર્ટ ફેલ અને સર્જરી દરમિયાન રક્તસ્ત્રાવ ઘટાડવા માટે સોડિયમ નાઇટ્રોપ્રસાઈડનો ઉપયોગ થાય છે. તેની કિંમત ૨૮.૯૯ રૂપિયા પ્રતિ મિલીલીટર નક્કી કરવામાં આવી હતી.
હાઈ બ્લડ પ્રેશર અને છાતીમાં દુખાવાના ઈલાજ માટે ડિલ્ટિયાઝેમનો ઉપયોગ થાય છે, જેની કિંમત ૨૬.૭૨ રૂપિયા પ્રતિ કેપ્સૂલ નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોવિડોન આયોડિનની કિંમત ૬.૨૬ રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી, જેનો ઉપયોગ સર્જરી પહેલા અને પછી ત્વચા જંતુમુક્ત કરવા અને નાની ઇજાઓની સંભાળ માટે થાય છે. જે દવાઓની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં પેરાસિટામોલ, એટોરવાસ્ટેટિન, એમોક્સિસિલિન અને મેટફોર્મિનનો સમાવેશ થાય છે.