તહેવારોમાં ભાવને નિયંત્રણમાં રાખવા સરકાર ૩ લાખ ટન ડુંગળી બજારમાં ઠાલવશે

નવી દિલ્હી, તહેવારોની મોસમમાં શાકભાજીના ભાવોને નિયંત્રણમાં રાખવાના પ્રયાસોના ભાગરૂપે સરકારે ચાલુ વર્ષે ૩ લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. ડુંગળીના આ જથ્થો સપ્ટેમ્બરથી તબક્કાવાર બજારમાં વેચાણ માટે મુકાશે.
આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન તથા જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અગાઉના વર્ષાેથી વિપરીત આ ચોમાસામાં બટાકા, ડુંગળી તથા ટામેટા જેવા મુખ્ય શાકભાજીની કિંમત નિયંત્રણમાં રહેવા પામી છે.
ગત વર્ષની તુલનાએ ૨૦૨૪-૨૫માં બટાકા તથા ડુંગળીના ઊંચા ઉત્પાદનને પગલે પુરવઠો પૂરતા પ્રમાણમાં જળવાઈ રહ્યો હોવાની સાથે સાથે જ છૂટક કિંમત ગયા વર્ષની સરખામણીએ નીચી રહેવા પામી છે.
નિવેદનમાં વધુ જણાવ્યાં અનુસાર, વર્તમાન કેલેન્ડર વર્ષ દરમિયાન ખાદ્ય પદાર્થાેની કિંમતો મહદઅંશે સ્થિર અને નિયંત્રણ હેઠળ રહેવા પામી છે.
ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા કરાયેલા નિરીક્ષણ અનુસાર, મોટાભાગની કોમોડિટીઝના ભાવમાં સ્થિરતાનું અથવા તો વાર્ષિક ધોરણે ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. જુલાઈ, ૨૦૨૫માં ઘરમાં બનેલા ભોજનની થાળીની કિંમતમાં જોવાયેલો ૧૪ ટકાનો ઘટાડો મહિના દરમિયાન ખાદ્ય ફુગાવો સતત હળવો થઈ રહ્યો હોવાનું સૂચવે છે.
નિવેદનમાં વધુમાં જણાવ્યાં અનુસાર, દેશના વિવિધ કેન્દ્રોમાં ટામેટાના છૂટક ભાવનું કારણ મૂળભૂત માગ-પુરવઠાના અસંતુલન અથવા ઉત્પાદનની ઘટ નહીં બલ્કે હંગામી સ્થાનિક પરિબળો છે.
આ સંદર્ભે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યૂમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એનસીસીએફ)એ ૪ ઓગસ્ટથી આઝાદપુર મંડીમાંથી ટામેટાની ખરીદી શરૂ કરી તેનું ન્યૂનતમ નફા સાથે ગ્રાહકોને વેચાણ શરૂ કર્યું છે.
આજ દિન સુધીમાં એનસીસીએફએ કિલો દીઠ રૂ. ૪૭થી ૬૦ની છૂટક કિંમતે ૨૭,૩૦૭ કિલોગ્રામ ટામેટાનું વેચાણ કર્યું છે. દિલ્હીમાં હાલ ટામેટા રૂ. ૭૩ના કિલો વેચાય છે. જેનું મુખ્ય કારણ ઉત્તર તથા ઉત્તર-પશ્ચિમ ભારતમાં થયેલો ભારે વરસાદ છે.SS1MS