મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના ચાર સાગરિતો એલિસબ્રિજ નીચેથી ઝડપાયાઃ ૧૯ ફોન રિકવર

અમદાવાદ, અમદાવાદમાં સક્રિય બનેલી મોબાઇલ સ્નેચર ગેંગને લઇને લોકો પરેશાન થઇ ગયા છે. મોબાઇલ પર વાત કરતા જઇ રહેલા લોકોને હાથમાંથી મોબાઇલ ઝુંટવી લેતી ગેંગને કારણે શહેરીજનો મોબાઇલ પર વાત કરતા રોડ પર ચાલતા ડરી રહ્યા છે.
આ ગેંગને શોધવા માટે ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. પોલીસે એલિસબ્રિજ નીચે રિવરળન્ટ પરથી ગેંગના ચાર સાગરિતોને ઝડપી લઇ તેમની પાસેથી ચોરેલા ૧૯ મોબાઇલ ફોન અને એક બર્ગમેન સ્કૂટર કબજે લીધું છે.
મોજ શોખ માટે મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગના કેટલાક સભ્યો તો માંડ ૧૮ વર્ષના છે. આ ટુકડી ઝડપાઇ જતાં સંખ્યાબંધ ગુનાના ભેદ ઉકેલાયા છે.અમદાવાદ ક્રાઇમ બ્રાંચને કમિશનર ઓફિસ દ્વારા શહેરમાં આતંક મચાવી રહેલી મોબાઇલ સ્નેચર ગેંગને ઝડપી લેવા આદેશ આપવામાં આવ્યો હતો.
જેને પગલે એસીપી ભરત પટેલ અને ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલની ટીમે જે સ્થળેથી વધુ પ્રમાણમાં મોબાઇલ સ્નેચિંગ થયા હતા તે વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરતાં ચોક્કસ ઉંમરના યુવાનો ધૂમ સ્ટાઇલમાં બર્ગમેન સ્કૂટર પર આવતા અને મોબાઇલ ઝુંટવીને પલાયન થઇ જતા હતા.
આ કડીને આધારે તપાસ શરૂ કરી ત્યારે જ પોલીસને વિગતો મળી કે આ ગેંગના ચાર સાગરિતો રિવરળન્ટ એલિસબ્રિજ નીચે ઊભા છે. ક્રાઇમ બ્રાંચે તરત જ તેમને ઝડપી લીધા હતા. પૂછપરછ કરતાં તેમણે મોબાઇલ સ્નેચિંગની વાત કબૂલી હતી.
પોલીસે તેમની પાસેથી ચોરેલા ૧૯ મોબાઇલ અને એક બર્ગમેન સ્કૂટર કબજે લીધું છે. તેઓ ઓછી ભીડવાળી જગ્યાએ એકલ દોકલ જતી મહિલા અને વડીલોને ટાર્ગેટ કરી મોબાઇલ ઝુંટવી લેતા હતા.
વધૂમાં તેઓ માત્ર મોજશોખ માટે જ આ કાંડ કરતા હોવાની કબૂલાત કરી રહ્યા છે. તેમના વિરુદ્ધ જુદા જુદા પોલીસ મથકોમાં ઘણા ગુના નોંધાયા છે. તપાસ દરમિયાન વધુ કાંડ સામે આવે તેવી સંભાવના પોલીસ જોઇ રહી છે.SS1MS