વિજાપુરમાંથી ભેળસેળ યુક્ત પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

મહેસાણા, વિજાપુરના હિંમતનગર હાઈવે પર આવકાર વેરહાઉસમાં ડિવાઈન ફૂડમાં મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શુક્રવારે તપાસ કરતાં પામોલીન તેલમાંથી પનીર બનાવાતું હોવાનું જણાતાં પનીર અને પામોલીન તેલનો રૂ.૧.૬૧ લાખનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રક્ષાબંધન સહિત શ્રાવણ માસમાં વિવિધ તહેવારોને અનુલક્ષીને મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બાતમીના આધારે શુક્રવારે જિલ્લા ફુડ અધિકારી વી.જે.ચૌધરીના માર્ગદર્શન અને સૂચનાથી તેમની ટીમે વિજાપુરના હિંમતનગર રોડ પર આવેલા આવકાર વેરહાઉસમાં શૈલેષકુમાર કાન્તિલાલ પટેલના માલિકીની ડિવાઈન ફુડ નામની પેઢીમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પેઢીમાં પામોલીન તેલમાંથી પનીર બનાવતા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ માલુમ પડ્યું હતું અને સ્થળ પર ઈન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસીટિક એસીડ વાપરતા હોવાનું જણાયું હતું. જેથી ફૂડ વિભાગની ટીમે પનીર અને પામોલીન તેલના નમુના લઈ ૬૪૯ કિલો પનીર અને ૨૩૮ કિલો પામોલીન તેલ મળીને કુલ રૂ.૧,૬૧,૯૩૦ની કિંમતનો જથ્થો સીઝ કર્યાે હતો .SS1MS