યુવકે મજાકમાં કહ્યુ કે મારા એકાઉન્ટમાં 2 લાખ છે, મિત્રોએ હત્યા કરી નાંખી

એક દિવસ મૃતક મોહિબુલ ઇસ્લામએ બંન્ને આરોપીઓને મજાક મજાકમાં કહ્યું હતું કે તેના બેંક એકાઉન્ટમાં રૂપીયા ૨ લાખ જમા છે. જેથી બંન્ને આરોપીઓની દાનત બગડી હતી. અને આ રૂપીયા પડાવી લેવા માટેનો પ્લાન બનાવ્યો હતો.
ચાંગોદર નજીક યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયોઃ બે આરોપીઓની ધરપકડ
(એજન્સી)અમદાવાદ, ચાંગોદરના તાજપુર ગામની સીમમાંથી પસાર થતી રેલ્વે લાઇન નજીકથી ૧૬મી માર્ચના દિવસે મળી આવેલ મૃતદેહના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસએ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સંતલાલ ગૌતમ અને મધ્યપ્રદેશના રહેવાસી રોહિતસીંગ ગોડ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંન્ને આરોપીઓએ માત્ર ૨ લાખ રૂપીયા મેળવવાની લાલચમાં આવીને મોહિબુલ ઇસ્લામ નામના યુવકને ગળે ટુંપો આપીને હત્યા કરી દીધી હતી. બાદમાં તેની ઓળખ ના થાય તે માટે ટી શર્ટ ચહેરા પર નાંખીને સળગાવી દીધી હતી. જો કે પોલીસ તપાસમાં બંન્નેની પોલ ખુલ્લી પડી ગઇ હતી.
ઘટના અંગે વાત કરીએ તો ૧૬મી માર્ચએ સળગાવેલી હાલતમાં ચહેરા સાથે એક મૃતદેહ મળી આવ્યો હતો. જો કે યુવકનો ચહેરો સળગી ગયેલ હાલતમાં હોવાથી તેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની હતી. પરંતુ પોલીસએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જ્યારે ૧૭મી માર્ચના દિવસે ચાંગોદરમાં આવેલ મેક્સ ગ્રાફિક્સમાં કામ કરતો મોહિબુલ ઇસ્લામની કોઇ ભાળ મળતી ના હોવાની જાણ ચાંગોદર પોલીસને કરવામાં આવી હતી.
પોલીસે તેના મોબાઇલ નંબરના આધારે કોલ ડિટેઇલ મેળવી આ ઉપરાંત તેની સાથે કામ કરતા કર્મચારીઓ અને પરિવારજનોની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં સફળતા મળતા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. મૃતક અને આરોપીઓ છેલ્લા ૨૫ દિવસથી સાથે કામ કરતા હતાં.
એક દિવસ મૃતક મોહિબુલ ઇસ્લામએ બંન્ને આરોપીઓને મજાક મજાકમાં કહ્યું હતું કે તેના બેંક એકાઉન્ટમાં રૂપીયા ૨ લાખ જમા છે. જેથી બંન્ને આરોપીઓની દાનત બગડી હતી. અને આ રૂપીયા પડાવી લેવા માટેનો પ્લાન બનાવ્યો હતો.
પ્લાન મુજબ ૬મી માર્ચના દિવસે નોકરીથી છુટ્યા બાદ બંન્ને આરોપીઓ મૃતકને રેલ્વે લાઇન પાસે લઇ ગયા હતાં. જ્યાં હત્યા કરવાના ઇરાદે તેઓ કંપનીમાંથી જ એક દોરી લઇ ગયા હતાં. જેની મદદથી બંન્નેએ મોહિબુલ ઇસ્લામનું ગળું દબાવ્યું હતું. અને તેના મોબાઇલ, એટીએમ, ગુગલ પે નો પાસવર્ડ મેળવી લીધો હતો.
જો કે દોરી તુટી જતા આરોપીઓએ મૃતકએ પહેરેલ બુટની દોરી કાઢીને તેની મદદથી તેને ગળેટુંપો આપ્યો હતો. અને હત્યા કરી દીધી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાંથી રૂપીયા ૮૦૦ ટ્રાન્સફર કરી લીધા હતાં. અને ટ્રેન આવતા મૃતદેહને ટ્રેનની નીચે ફેંકી દેવા માટેનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ તેમાં સફળ ના થતાં અંતે તેમણે નજીકના ગરનાળામાં મૃતદેહ ફેંકીને ઓળખના થાય તે માટે મૃતકએ પહેરેલ ટી શર્ટ કાઢી તેના ચેહેરા પર ઢાંકીને સળગાવી દીધી હતી. બાદમાં મોબાઇલની લુંટ કરીને તેઓ પલાયન થઇ ગયા હતા. હત્યા બાદ બંન્ને આરોપીએ વતનમાં નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે મૃતકનો મોબાઇલ શાહપુર નજીક કોઇને વહેચી દીધો હતો.