Western Times News

Gujarati News

લોકોને નહીવત ખર્ચે અને ઓછા પ્રયાસે ઝડપી ન્યાય મળવો જ જોઈએઃ ગવઈ

નવી દિલ્હી, ભારતના લોકો પ્રતિ ન્યાયપાલિકા, ધારાસભા અને વહીવટીતંત્રના અભિગમ અંગે વાત કરતાં ભારતના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું હતું કે, લોકોને નહીવત ખર્ચમાં અને ઓછા પ્રયાસ સાથે ઝડપથી ન્યાય મળે તે માટે ન્યાયપાલિકા, ધારાસભા અને વહીવટીતંત્ર કટિબદ્ધ છે.

ઈટાનગર ખાતે ગૌહાટી હાઈકોર્ટના નવા સંકુલના ઉદઘાટન પ્રસંગે ચીફ જસ્ટિસે જરૂરિયાતમંદોને ઘરઆંગણે ન્યાય પહોંચાડવા માટે વિકેન્દ્રિકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચીફ જસ્ટિસે ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમના પ્રયાસોથી લોકો માટે ન્યાય મેળવવાનું સરળ બન્યું છે.

સ્વતંત્રતા છેલ્લા ૭૫ વર્ષમાં અનેક પડકારો દેશ સામે આવ્યા છે, પરંતુ આપણો દેશ મજબૂત રહ્યો છે અને વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે આપણે આગળ વધી રહ્યા છે. અરુણાચલ પ્રદેશમાં ૨૬ મુખ્ય જનજાતિ અને ૧૦૦થી વધુ પેટા જનજાતિઓ છે. સરકારે વિવિધતામાં એકતા સાથે પરંપરાગત સંસ્કૃતિ અને રીત-રિવાજોને જાળવી રાખવા તમામ પ્રયાસ કર્યા છે.

સંસ્કૃતિ અને પરંપરાનું જતન થાય તો જ દેશનો વિકાસ થઈ શકે તેવું જણાવતા ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે, બંધારણે પણ તમામ લોકો અને સમાજોની સંસ્કૃતિને જાળવવાનું ધ્યેય રાખ્યું છે.

અરૂણાચલ સહિતના નોર્થ ઈસ્ટ રાજ્યોની વાત રતાં તેમણે જણાવ્યું હતું કે, બંધારણે આ વિસ્તારના જનજાતિ સમુદાયને રક્ષણ આપવા માટે વિશેષ જોગવાઈઓ કરી છે.

બી.આર. આંબેડકરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આંબેડકર હંમેશા ભારતની એકતા માટે લડ્યા હતા. તેઓ કહેતા કે, સૌથી પહેલા ભારત છે અને સૌથી છેલ્લે પણ ભારત જ આવે છે. આંબેડકર હંમેશા લોકોને કહેતા કે, શાંતિ અને યુદ્ધના સમયે બંધારણથી ભારત મજબૂત અને સંગઠિત રહેશે. છેલ્લા ૭૫ વર્ષના અનુભવે તેમની ઉક્તિને યથાર્થ ઠેરવી છે.

દરેક ધર્મને પોતાના ધર્મગ્રંથ છે, પરંતુ દરેક ભારતીય માટે બંધારણ મહાન ગ્રંથ છે. આપણી નિષ્ઠા બંધારણ પ્રત્યે સૌથી વધારે હોવી જોઈએ અને દરેકે બંધારણ વાંચવું જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.