Western Times News

Gujarati News

દુકાનની નીચે કરોડોનું ધન છુપાયેલું છે કહી મહિલા તાંત્રિકે 67 લાખ પડાવ્યા

ગોધરાની મહિલા તાંત્રિકે વિધિના નામે ૬૭ લાખની છેતરપિંડી કરી-મહિલા તાંત્રિકે વિધિ કરવાના નામે ધન અપાવવાની લાલચ આપી

વિરમગામ,  અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ફરસાણની દુકાન ધરાવતા વેપારીની દુકાન દબાણમાં જવાની હોવાથી તૂટી જવાની તેમજ અન્ય દુકાન નામે થઈ જાય તે માટે એક મહિલા તાંત્રિકે વિધિ કરવાના નામે તેમજ દુકાનની નીચે કરોડોનું ધન છુપાયેલું છે.

જે અપાવવાની લાલચ આપીને વિવિધ વિધિના નામે કુલ ૬૭ લાખની માતબર રકમની છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ ગોધરાની મહિલા તાંત્રિકે મેલીવિદ્યાના નામે અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિરમગામમાં માંડલ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષીય દિનેશભાઈ શેઠ વિરમગામ-માંડલ રોડ પર ફરસાણની દુકાન ધરાવે છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં દિનેશભાઈ તેમના એક સગાને મળવા હાલોલ ગયા હતા. આ સમયે તેમના સગા તેમને ગોધરાના જીતપુરામાં રહેતા કોમલ રાઠોડ પાસે લઈ ગયા હતા. કોમલ રાઠોડ નામની મહિલા પોતાને માતાજી તરીકે ઓળખાવીને વિવિધ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપતી હતી.

કોમલ રાઠોડને મળ્યા ત્યારે તેણે દિનેશભાઈને કહ્યું હતું કે એક સપ્તાહ બાદ મળવા આવજો, હું તમારા પ્રશ્નનું નિરાકરણ લાવી આપીશ. જેથી વિશ્વાસ કરીને દિનેશભાઈ તેમની પત્નીને લઈને મહિલા તાંત્રિક કોમલ રાઠોડને મળવા માટે ગયા હતા. જ્યાં દિનેશભાઈએ તેને જણાવ્યું હતું કે, તેમની હાલની દુકાન પર દબાણ આવવાનું હોવાથી તે તૂટી જાય તેમ છે અને હાલ નવી દુકાનનો સોદો કર્યો છે પણ તે નામે થતી નથી.

આ સમયે મહિલા તાંત્રિકે હાલની દુકાન પર રક્ષણ આપવાનું કહ્યું હતું અને નવી દુકાનની નીચે મોટા પ્રમાણમાં ધન છુપાયેલું છે, તેમ જણાવીને દિનેશભાઈને પોતાની વાતમાં ભોળવી દીધા હતા.પરંતુ, આ વિધિ માટે માતાજીને શણગાર ધરવો પડશે તેમ કહીને સોનાના દાગીનાના નામ લખેલી ચિઠ્ઠી આપી હતી. આ ઉપરાંત, મહિલા તાંત્રિકને એક લાખની જરૂર હોવાથી તેના પતિને નાણાં મોકલી આપ્યા હતા.

એક મહિના દરમિયાન ચિઠ્ઠીમાં લખેલા રૂપિયા ત્રણ લાખની કિંમતના દાગીના લઈને તે ગોધરા ગયા હતા. ત્યાં તેણે કહ્યું હતું કે નવી દુકાનની લોન નથી થતી જેથી તે દુકાન પાછી આપી દેવી પડશે. ત્યારે મહિલા તાંત્રિકે નવી દુકાન નીચે રહેલું સોનું વિધિ કરીને ઘરમાં ખેંચી લાવવાની વાત કરી હતી. આ માટે તેણે બેડરૂમનું ફ્લોરિંગ તોડાવીને ત્યાં પૂજા વિધિ કરાવી હતી અને અમાસના દિવસે રસોડામાંથી સોનું નીકળશે તેમ કહ્યું હતું.

આ માટે બેડરૂમમાં વિધિ શરૂ કરી હતી, પરંતુ, દિનેશભાઈને કહ્યું હતું કે જો રૂમનો દરવાજો વિધિ પૂરી થયા પહેલા ખોલશો તો માતાજીના પ્રકોપથી મૃત્યુ પામશો અને મોટું નુકસાન થશે. માટે વિધિ પૂરી કરવી પડશે. આ દરમિયાન તેણે અઢી લાખ રૂપિયા મંગાવ્યા હતા.

બાદમાં થોડા દિવસ બાદ મહિલા તાંત્રિક ઘરે આવી હતી અને રસોડામાં વિધિના નામે જઈને સોના જેવી ધાતુ લઈને આવી હતી. જે રસોડામાંથી મળ્યાનો દાવો કર્યો હતો.

પરંતુ, રૂમ ખોલવા માટે માતાજી રજા આપતા નથી તેમ કહીને વિધિ માટે વધારે દાગીનાની જરૂર પડશે અને જો વિધિ પૂરી નહીં થાય તો માતાજીનો પ્રકોપ વરસી પડશે તેમ જણાવી ડરાવ્યા હતા. બાદમાં લાખોના દાગીના પડાવ્યા બાદ ફરીથી વિધિ કરીને જણાવ્યું હતું કે માતાજી રાજી થયા છે. જેથી ફાઈનલ વિધિ કરવાના નામે ફરીથી લાખોની રોકડ પડાવી હતી. પરંતુ, ત્યારબાદ ફરીથી રૂમ નહીં ખોલવાનું કહીને દાગીના માંગ્યા હતા. જેથી દિનેશભાઈને શંકા જતાં તેમણે રૂમ ખોલીને તપાસ કરતાં ત્યાં માત્ર ચુંદડી જ હતી.

આમ, છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા દિનેશભાઈએ વિરમગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોમલ રાઠોડ નામની મહિલા તાંત્રિકે કુલ ૬૭ લાખની મત્તા પડાવી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ અંગે વિરમગામ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.