નોઈડામાંથી બોગસ પોલીસ સ્ટેશન ઝડપાયું!

નોઈડા, ગૌતમ બુધ નગર પોલીસ દ્વારા બોગસ પોલીસ સ્ટેસન ખોલીને ગોરખધંધો કરતા છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ચાલાક ચોરોએ આખે આખું પોલીસ સ્ટેશન જ બોગસ ઊભું કરી નાંખ્યું હતું.
ઈન્ટરનેશનલ પોલીસ એન્ડ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના નામથી પોલીસ સ્ટેશનનું સંચાલન કરીને લોકોને ભરમાવીને સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી આચરતાં હતા.
આ છ લોકો બંગાળના હોવાની ઓળખ થઈ છે અને તેમની પાસેથી મોટાપાયે બોગસ આઈડી, પોલીસના ખોટા બકલો વગેરે સામગ્રી પણ મળી હતી.સેન્ટ્રલ નોઈડાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) શક્તિ મોહન અવસ્થીએ જણાવ્યું કે, ગુપ્ત માહિતીને આધારે અમે નોઈડાના સેક્ટર ૭૦ સ્થિત બીએસ-૧૩૬ પ્રોપર્ટીમાં રવિવારે રાત્રે દરોડો પાડ્યો હતો.
છ જેટલા લોકો અહીં બોગસ પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરીને તથા ખોટા દસ્તાવેજો તૈયાર કરીને લોકોને કેસમાં ફસાવવાની ધમકી આપીને નાણાં પડાવવાની કામગીરી કરતાં હતા.
આરોપીઓ ઈન્ટરપોલ તથા આઈબી સાથે સંકળાયેલા હોવાનો દાવો પણ કરતા હતા.બોગસ પોલીસ સ્ટેશન પરના દરોડામાં પોલીસ જેવા રંગના વસ્ત્રો, બકલ, લોગો તેમજ આદિવાસી બાબતોના મંત્રાલય, આયુષ મંત્રાલય અને સામાજિક ન્યાય તથા સશક્તિકરણ મંત્રાલયના કથિત બોગસ સર્ટિફિકેટો મળ્યા હતા.
છ બંગાળી ઠગો પોતાને ઈન્ટરપોલ તેમજ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પંચ અને યુરેસિયા પોલ સાથે જોડાયેલા હોવાનો અને યુકેમાં પણ ઓફિસ હોવાનો દાવો કરતા હતા. છેલ્લા ૧૫ દિવસથી તેઓ અહીં લોકોને છેતરવાનું કામ કરી રહ્યા હતા. લોકોને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ સરકારી અધિકારી હોવાનો ડોળ કરતાં હતા. તેઓ વેબસાઈટ મારફતે દાન મેળવી રહ્યા હતા.
તેમની પાસેથી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ મળ્યા હતા. આ ઉપરાંત સંખ્યાબંધ પ્રેસ આઈડી કાર્ડ તથા પોલીસ સ્ટેશનમાં હોય તેવા સ્ટેમ્પ પણ જપ્ત કરાયા હતા. વિવિધ બેન્કોના એટીએમ, વિઝિટિંગ કાડ્ર્સ, મોબાઈલ ફોન અને ૪૨,૩૦૦ રોકડ પણ કબ્જે લેવાઈ હોવાનું ડીસીપી અવસ્થીએ જણાવ્યું હતું.
આરોપીએ આ સ્થળને વાસ્તવિક પોલીસ સ્ટેશન જ હોવાનું પુરવાર કરવા ૪ જૂને મિલકતનો ભાડાં કરાર પણ કર્યાે હતો. નાઈડા સ્ટેશન ફેઝ-૩ની પોલીસ ટીમે સમગ્ર રેકેટનો ભાંડો ફોડ્યો હતો અને આરોપીઓ તેનો વ્યાપ વિસ્તારે તે પૂર્વે જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.નાઈડામાં બોગસ પોલીસ સ્ટેશન ખોલીને છેતરપીંડી આચરનારા તમામ છ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા.
તમામ આરોપીઓ ધોરણ ૧૨ પાસ હોવાનું જણાયું હતું. પોલીસ તપાસમાં આ આરોપીઓ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના અને ૨૪ પરગનાના રહેવાસી હોવાનું ખુલ્યું હતું.SS1MS