પરિવારને રેલવે સ્ટેશન લેવા જતા વેપારીના ઘરમાં ૮ લાખની ચોરી

અમદાવાદ, આંબાવાડી નજીક માણેકબાગ શ્રેયસ બ્રિજ પાસેની રોહિણી સોસાયટીના બંગલો ૧૭માં રહેતા એક વેપારી તેમના માતા-પિતા અને ભાઇને લેવા પરોઢિયે સાબરમતી રેલવે સ્ટેશન ગયા હતા.
સવા કલાક બાદ તે ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના ગેસ્ટ રૂમનું હેન્ડલ તુટેલુ હતું. ઘરમાં તપાસ કરતા તસ્કરો બારીના સળિયા તોડીને અંદર પ્રવેશીને રોકડા, દાગીના અને રાડોની ઘડિયાળ સહિત ૮.૦૮ લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માણેકબાગ શ્રેયસ બ્રિજ પાસે આવેલી રોહિણી સોસાયટીના બંગલો નં.૧૭માં રહેતા અનુરાગભાઇ કાબરા ન્યુ ક્લોથ માર્કેટમાં દુકાન ધરાવી કાપડનો વેપાર કરે છે.
અનુરાગભાઇના મોટા બાપાનું અવસાન થતાં તેમના પિતા ઓમપ્રકાશભાઇ તા.૨૮ જુલાઇએ રાજસ્થાન કિશનગઢ ગયા હતા અને તેમના મોટાભાઇ સૌરભભાઇ ગત તા.૭મીએ રાજસ્થાન ગયા હતા. અનુરાગભાઇના માતા-પિતા અને ભાઇ રાજસ્થાનથી ટ્રેન મારફતે અમદાવાદ આવવાના હોવાથી શનિવારે પાંચેક વાગ્યે તે સાબરમતી રેલવે સ્ટેશન લેવા માટે ગયા હતા.
પરિવારને લઇને અનુરાગભાઇ સવા કલાક બાદ ઘરે આવ્યા ત્યારે ગેસ્ટ રૂમના દરવાજાનું હેન્ડલ તુટેલુ હતું. જેથી તપાસ કરી તો સામાન વેરવિખેર હાલતમાં હતો. બારીના લોખંડના સળિયા તોડીને તસ્કરોએ ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ અનુરાગભાઇના પિતાના રૂમમાંથી સોના ચાંદીના દાગીના, રોકડા, રાડોની ઘડિયાળ મળીને કુલ રૂ. ૮.૦૮ લાખની મતા ચોરી કરી હતી.
તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા હતા. પોલીસને જાણ કરાતા એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તસ્કરો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.SS1MS