વિધિના બહાને ૬૭ લાખ પડાવી લેનાર ઢોંગી મહિલા તાંત્રિક ઝબ્બે

અમદાવાદ, વિરમગામમાં દુકાન ધરાવતા વેપારીની દુકાન દબાણમાં તૂટી જવાની તેમજ અન્ય દુકાન નામે થઇ જાય તે માટે એક મહિલાએ તાંત્રિકનો ઢોંગ કરીને વિધિ કરવાના નામે છેતરપિંડી આચરી છે. મહિલાએ દુકાનની નીચે કરોડોનું છૂપાયેલું ધન અપાવવાની લાલચ આપીને વિધિના નામે કુલ ૬૭ લાખના દાગીના અને રોકડા મેળવીને છેતરપિંડી આચરી હતી.
વિરમગામ પોલીસે ગુનો નોંધી ઢોંગી મહિલા તાંત્રિકની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન વધુ ભોગ બનનાર હોવાની પોલીસને શંકા છે. વિરમગામમાં રહેતા ૬૨ વર્ષીય દિનેશભાઇ શેઠ ફરસાણની દુકાન ધરાવે છે. થોડા સમય પહેલા સંબંધી થકી ગોધરાની કોમલ રાઠોડ સાથે સંપર્ક થયો હતો. કોમલને માતાજી આવતા હોવાનું કહીને વિવિધ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી.
જેથી દિનેશભાઇએ તેમની દુકાન પર દબાણ આવવાનું હોવાથી તૂટી જાય તેમ છે અને નવી દુકાનનો સોદો કર્યાે છતાંય નામે ન થતી હોવાની સમસ્યા જણાવી હતી. મહિલા તાંત્રિકે દુકાન પર માતાજીનું રક્ષણ આપવાનું કહીને નવી દુકાનની નીચે મોટા પ્રમાણમાં ધન છૂપાયેલું હોવાનું કહીને દિનેશભાઇને પોતાની વાતમાં ભોળવ્યા હતા.
બાદમાં માતાજીનો શણગાર ચઢાવવા માટે ચિઠ્ઠીમાં દાગીનાનું લિસ્ટ લખી આપીને ઉછીના નાણાં આંગડિયા મારફતે મેળવ્યા હતા. બાદમાં સોનાના દાગીના એક છાબમાં મૂકીને કોમલે મેળવી લીધા હતા.
જે બાદ મહિલા તાંત્રિકે નવી દુકાન નીચે રહેલું સોનું વિધિ કરીને ઘરમાં ખેચી લાવવાની લાલચ આપી હતી. ફ્લોરીંગ તોડાવીને ત્યાં પૂજા વિધિ કરાવીને અમાસના દિવસે રસોડામાંથી સોનું નીકળશે તેમ કહ્યું હતું.
કોમલે વિધિ પૂરી થયા પહેલા દરવાજો ખોલશો તો માતાજીના પ્રકોપથી મોતને ભેટશો અને મોટું નુકસાન થશે તેવો ડર બતાવ્યો હતો. રસોડામાં વિધિના નામે સોના જેવી ધાતુ લઇને આવી હતી અને જે રસોડામાંથી મળ્યાનો દાવો કર્યાે હતો.
પરંતુ, રૂમનો દરવાજો ખોલવા માટે માતાજી રજા આપતા નથી તેમ કહીને વિધિ માટે વધારે દાગીનાની જરૂર પડશે અને વિધિ પૂરી નહીં થાય તો માતાજીનો પ્રકોપ વરસી પડશે તેમ કહીને ભોગ બનનારને ડરાવ્યા હતા. માતાજી રાજી થયા છે તેમ કહીને વિધિના નામે ફરીથી લાખોની રોકડ પડાવી હતી. પરંતુ દિનેશભાઇને શંકા જતા તેમણે રૂમ ખોલીને તપાસ કરતા ત્યાં માત્ર ચુંદડી જ હતી.
આમ, કોમલ રાઠોડ નામની મહિલાએ તાંત્રિક બનીને રોકડા અને દાગીના મળીને કુલ રૂ. ૬૭ લાખની મતા પડાવી લેતા વિરમગામ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે બાદ વિરમગામના સિનિયર પીઆઇ કે. એસ. દવેની ટીમે મહિલા આરોપી કોમલ ઉર્ફે માતાજીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.SS1MS