અમદાવાદ ડિવિઝનના હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ

12 થી 14 ઓગસ્ટ દરમિયાન હિંમતનગર–ખેડબ્રહ્મા સેક્શનનું રેલ્વે સેફ્ટી કમિશનર દ્વારા સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શન (લગભગ 55 કિમી) નું ગેજ કન્વર્ઝન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. જેનું સંરક્ષા નિરીક્ષણ 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 દરમિયાન પશ્ચિમ રેલ્વેના રેલ્વે સેફ્ટી કમિશનર (CRS) દ્વારા કરવામાં આવશે.
રેલવે બોર્ડ દ્વારા 2 જૂન 2022ના રોજ રૂ. 482.42 કરોડની અંદાજિત કિંમતે હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઈન (લગભગ 55 કિમી) ના ગેજ પરિવર્તન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. હિંમતનગર અને ખેડબ્રહ્મા વચ્ચે મહાદેવપુરા, જાદર, વડાલી અને ઈડર સ્ટેશનો પણ બનાવવામાં આવ્યા છે.
આ નવી બ્રોડ ગેજ લાઇન માટે મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપ નક્કી કરવામાં આવી છે અને આ લાઈનમાં આધુનિક 260 મીટર લંબાઈના 60 કિગ્રા-આર 260 ગ્રેડ 20 રેલ પેનલ સાથે નવા બ્રોડ ગેજ ટ્રેક પાથરવામાં આવ્યા છે, જેનાથી ટ્રેનોની ગતિ અને સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે. આ રેલવે લાઇનના અંતિમ નિરીક્ષણ અને સંરક્ષા મંજૂરી બાદ આ રૂટ પર ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવશે. આનાથી અસારવાથી ખેડબ્રહ્મા સુધી સીધી રેલ કનેક્ટિવિટી શક્ય બનશે.
આ પ્રોજેક્ટ હેઠળ, એક મહત્વપૂર્ણ પુલ (15×18.3 મીટર કમ્પોઝિટ ગર્ડર), 09 મુખ્ય પુલ, 40 નાના પુલ બનાવવામાં આવ્યા છે. આ સેક્શનમાં 38 લેવલ ક્રોસિંગ હતા, જેમાંથી 37 દૂર કરવામાં આવ્યા છે અને લિમિટેડ હાઇટ સબવે (LHS) દ્વારા બદલવામાં આવ્યા છે અને એકમાત્ર લેવલ ક્રોસિંગ નંબર 86 જાળવી રાખવામાં આવ્યો છે. રેલ્વે લાઇન પર ફેન્સિંગનું કામ પણ ચાલી રહ્યું છે.
આ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ મુસાફરો અને પ્રદેશને ઘણા ફાયદાઓ લાવશે. હવે મુસાફરોને વધુ સારી અને ઝડપી રેલ કનેક્ટિવિટી મળશે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં સુધારેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક સલામતી પગલાં સાથે મુસાફરી હવે વધુ સુરક્ષિત અને વધુ અનુકૂળ બનશે.
સ્ટેશનો પર વિકસાવવામાં આવી રહેલી આધુનિક સુવિધાઓ મુસાફરોના અનુભવને વધુ વધારશે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટ પ્રાદેશિક વેપાર, કૃષિ અને પર્યટનને પણ વેગ આપશે, જેનાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે. કન્સ્ટ્રક્શન અને સંચાલન દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે અને સમગ્ર પ્રદેશનો વિકાસ થશે.
આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની વિકાસ અને જન કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ વિભાગના અંતિમ નિરીક્ષણ અને સલામતી મંજૂરી પછી ટૂંક સમયમાં આ રૂટ પર ટ્રેન સંચાલન શરૂ કરવામાં આવશે.