અમદાવાદ DPEO અને DEO રૂરલ હસ્તકની શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

રંગોળી, ક્વિઝ, પત્ર લેખન અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયા
Ahmedabad, રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અંતર્ગત તા.15 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત અમદાવાદ ડીપીઇઓ અને ડીઇઓ રૂરલ હસ્તકની 400 જેટલી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓમાં રંગોળી, ક્વિઝ, પત્રલેખન અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ તમામ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તિરંગા, ભારત માતાની પ્રતિકૃતિ અને દેશભક્તિ પ્રેરિત દ્રશ્યો તૈયાર કર્યા હતા. જ્યારે ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓ, તિરંગા અને દેશના મહત્વના પ્રતીકો દર્શાવ્યા હતા.
આમ, સમગ્ર અમદાવાદ ડીપીઇઓ અને ડીઇઓ રૂરલ હસ્તકની શાળાઓમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો.