રૂ. પાંચ કરોડનો ખર્ચે જય શંકર સુંદરી હોલનું રિનોવેશન થશે

રાજ્ય સરકારે ૩૦ વર્ષ માટે હોલ આપ્યો છે, સરકાર રિપેરીંગ માટે રૂપિયા એક કરોડ આપશે ઃ દેવાંગ દાણી
જય શંકર સુંદરી હોલના પ્રોપર્ટી કાર્ડમાં હાલ ત્રણ માલીક છે જેમાં સરકાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સંગીત નૃત્યુ નાટક એકેડેમીનો સમાવેશ થાય છે.
(પ્રતિનિધી)અમદાવાદ એક સમયે અમદાવાદ શહેરમાં નાટ્યગૃહો/ ઓડીટોરીયમની શ્રેષ્ઠ સુવિધા હતી. અમદાવાદ શહેરમાં ટાગોર હોલ, ટાઉનહોલ, પ્રેમાભાઈ હોલ તેમજ જયશંકર સુંદરી જેવા ઉત્તમ નાટ્યગૃહ હતા પરંતુ સમયાંતરે વિવિધ કારણોસર આ નાટ્યગૃહો લગભગ બંધ થઈ ગયા છે અને હાલ માત્ર ટાગોર હોલ જ કાર્યરત છે.
શહેરના કોટ વિસ્તારમાં પ્રેમાભાઈ અને જયશંકર સુંદરી એમ બે ઓડીટોરીયમ હતા. જૈ પેકી રાજ્ય સરકારે જયશંકર સુંદરી હોલ મ્યુનિસિપલ કોર્પોરેશનને પરત આપવા જાહેરાત કરી છે. તેથી કોટ વિસ્તારના રહિશોને એક ઉત્તમ ઓડીટોરીયમની સુવિધા મળી રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું રીપેરીંગ કામ કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ જમાલપુર રોડમાં આવેલ જય શંકર સુંદરી હોલના પ્રોપર્ટી કાર્ડમાં હાલ ત્રણ માલીક છે જેમાં સરકાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત સંગીત નૃત્યુ નાટક એકેડેમીનો સમાવેશ થાય છે.
આ ઓડીટોરીમનું રેકોર્ડ મુજબ કુલ ક્ષેત્રફળ પાંચ હજાર ચો. મીટર છે. તેમાં બાંધકામ ૧૬૮૭ ચો.મીટર બાંધકામ છે. રેકોર્ડ મુજબ એમાં હાલ ૮૧૦ બેઠકોની ક્ષમતા છે. રાજ્ય સરકાર દ્વારા ૭ જુલાઈ ૨૦૨૩ની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે અને આ નાટ્યગૃહ વિનામુલ્યે ૩૦ વર્ષ માટે કોર્પોરેશનને સોપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ઓડીટોરીયમ પઝેશન સાથે તેના રીપેરીંગ માટે રૂપીયા એક કરોડની ગ્રાંટ પણ આપવામાં આવશે.
આ હોલ વર્ષોથી બંધ હોવાથી જેમાં ટોયલેટ બ્લોક, વોટર લાઈન, ડ્રેનેજ લાઈન, બારી દરવાજા, સ્ટેજ, ફર્નીચર, બેઠકો લાઈટ વેગેરની કામગીરી કરવાની થશે. જેના માટે અંદાજે રૂપીયા પાંચ કરોડનો ખર્ચ થઈ શકે છે. ઓડીટોરીયમનો ડિટેઈલ સર્વે કરાવ્યા બાદ ટેન્ડરની કાર્યવાહી થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦૨૪-૨૫ના બજેટમાં જય શંકર સુંદરી હોલ રિનોવેશન કામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.