Western Times News

Gujarati News

ગુજરાતમાં ગન કલ્ચરઃ ૫ વર્ષમાં ૫૦૦૦થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા: રોફ જમાવવાનો ખેલ?

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં પણ છાનાપગલે ગન કલ્ચર વિસ્તરી રહ્યું છે. છેલ્લા ૫ વર્ષમાં જ ૫૨૦૪ લોકોએ ગન લાયસન્સ મેળવ્યા છે. જેમાં અમદાવાદથી સૌથી વધુ ૬૯૦, રાજકોટથી ૫૪૦ જ્યારે દાહોદથી ૪૮૭ લોકોએ બંદૂક રાખવાનો પરવાનો મેળવી લીધો છે. વધતા જતા હથિયારના ક્રેઝ આગામી સમયમાં ગુનાખોરીના આંકડામાં વધારો લાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

રાઇટ ટુ ઈન્ફોર્મેશનથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ૫ વર્ષમાં ૨૦૦થી વધુ લોકોને ગન લાયસન્સ અપાયા હોય તેવા રાજ્યમાં સુરત, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, વડોદરા, મોરબી, ગાંધીનગર, બનાસકાંઠા અને જૂનાગઢનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ મણિપુર, નાગાલેન્ડથી સંખ્યાબંધ બોગસ હથિયાર લાયસન્સ અને તેના પર કારતૂસો ખરીદવાના મામલે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે ૬૬ આરોપીઓને ઝડપી લઇને તેમની સામે ચાર્જશીટ કરી દીધી છે.

ગુજરાતમાં બીજા રાજ્યમાંથી લાઈસન્સ લાવવાનો કારોબાર વર્ષોથી ચાલે છે. જમ્મુ-કાશ્મીરથી ગન લાયસન્સ કૌભાંડ પકડી ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના મોટા માથાઓ સામે કાર્યવાહી કરી પછી વર્ષ ૨૦૦૭માં પણ જમ્મુ-કાશ્મીરના બોગસ ગન લાયસન્સ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આ પછી નાગાલેન્ડના બોગસ ગન લાયસન્સનો ઘટસ્ફોટ થયો હતો.

ગન લાયસન્સ મેળવવા માટે કુલ ૧૧૩ નિયમોનો અમલ કરવાના હોય છે. પરંતુ બીજા રાજ્યમાંથી લાયસન્સ અપાવતાં એજન્ટો અને પૈસા એટલા મજબૂત છે કે બીજા રાજ્યોના લાયસન્સના આધારે ગુજરાતમાં ગન કલ્ચર સતત ભયજનક રીતે વિસ્તરી રહ્યું છે.

બીજા રાજ્યના લાયસન્સના આધારે ગુજરાતમાં ગન ખરીદવાનું હવે આસાન નથી. ગન વેચતા મોટાભાગના વેપારીઓ અન્ય રાજ્યના લાયસન્સ ઉપર હથિયાર વેચતા ન હોવાથી હરિયાણા, દિલ્હીથી ગન ખરીદીમાં પણ એજન્ટોની ચેઈન સક્રિય છે.

ગન લાયસન્સ માટે અરજી કરનારાએ ત્રણ વર્ષના આઈ.ટી. રિટર્ન ભરેલા હોવા જોઈએ. પરવાનગી માગનાર સામે કોઈ ફોજદારી કેસ ચાલતો હોવો જોઇએ નહીં. જમીનની સુરક્ષા અથવા પોતાની કે પરિવારની સુરક્ષાની જરૂરિયાત હોવી જોઈએ. સામાન્ય રીતે મોટા વ્યવસાયમાં કોઇ દુશ્મનાવટની ભીતિ હોવાના કારણે પણ લોકો અરજી કરતા હોય છે. આ સાથે અરજદારે ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવું પડે છે. સમાયંતરે ચૂંટણી, રથયાત્રા કે પછી અન્ય મોટા તહેવાર દરમિયાન હથિયાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહે છે. હથિયાર લીધા બાદ ચોક્કસ મહિને બુલેટનો હિસાબ આપવાનો રહે છે.

અમદાવાદમાં વર્ષ ૨૦૨૪માં કુલ ૨૫૯ અરજીમાંથી ગન માટે આવેલી કુલ ૯૮ અરજીમાંથી ૩૪ મંજૂર અને ૬૧ નામંજૂર થવાની સાથે ૩ ફાઇલ પેન્ડિંગ છે. રિવોલ્વર, પિસ્તોલ અને રાયફલ માટે આવેલી ૧૬૧ અરજીમાંથી ૩૭ મંજૂર અને ૧૮ નામંજૂર થઈ છે. જ્યારે ૧૦૬ અરજીઓ હાલ પણ પેન્ડિંગ છે.

વર્ષ ૨૦૨૩માં કુલ ૧૯૧ અરજીમાંથી ગન માટે આવેલી કુલ ૫૫ અરજીઓમાંથી ૩૧ મંજૂર અને ૨૪ નામંજૂર થઈ હતી. જ્યારે રિવોલ્વર, પિસ્તોલ અને રાયફલ માટે આવેલી ૧૩૬ અરજીમાંથી ૪૬ મંજૂર અને ૫૬ નામંજૂર થઈ હતી. આ આંકડા પ્રમાણે હથિયાર પરવાના મેળવનાર લોકોમાં રિવોલ્વર, પિસ્તોલ અને રાયફલનો ક્રેઝ વધારે હોવાનું માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.