અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને હજુ સુધી વળતર મળ્યું નથી

File Photo
અમે એક દુઃખી પરિવારને મળ્યા. એક વૃદ્ધ માતા પથારીવશ છે. તે સ્વાસ્થ્ય સંભાળ માટે તેના પુત્ર પર નિર્ભર હતી
માઇક એન્ડ્રુઝને પીડિત પરિવારની વેદના જણાવી
અમદાવાદ, અમદાવાદમાં ૧૨મી જૂને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાને ૨ મહિના થઈ ગયા છે, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી વળતરની રકમ મળી નથી. પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝનું કહેવું છે કે, જો રતન ટાટા જીવીત હોત તો વળતર આપવામાં આટલો વિલંબ ન થયો હોત.
મીડિયા સાથે વાતચીત કરતા અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે કહ્યું કે, રતન ટાટાએ ક્્યારેય વળતર આપવામાં વિલંબ કર્યો નથી. આ દર્શાવે છે કે જો તેઓ જીવતા હોત, એઆઈ-૧૭૧ વિમાન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા પછી પીડિત પરિવારોને આટલો સંઘર્ષ ન કરવો પડત.
રતન ટાટા અંગે અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે કહ્યું કે, અમેરિકામાં પણ અમે જાણીએ છીએ કે રતન ટાટા કોણ હતા. તેમની કાર્યશૈલી અને કર્મચારીઓ પ્રત્યેનો તેમનો સંભાળ રાખનાર સ્વભાવ બધા જાણે છે.
અમને વિશ્વાસ નથી આવી રહ્યો કે પીડિતોને વળતર આપવામાં કઈ અમલદારશાહી પ્રક્રિયા અવરોધરૂપ બની રહી છે, જેના કારણે વળતરમાં આટલો વિલંબ થઈ રહ્યો છે? પીડિતો અંગે અમેરિકન એટર્ની માઇક એન્ડ્રુઝે કહ્યું કે અમે એક દુઃખી પરિવારને મળ્યા. એક વૃદ્ધ માતા પથારીવશ છે. તે સ્વાસ્થ્ય સંભાળ માટે તેના પુત્ર પર નિર્ભર હતી. હવે તે મૃત્યુ પામ્યો છે. તેમને કોઈ વળતર મળી રહ્યું નથી. હવે તેઓએ શું કરવું જોઈએ?
૧૨મી જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ તમામ પીડિતોને એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. બાદમાં વધારાના ૨૫ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. ૨૬મી જુલાઈના રોજ એર ઈન્ડિયાએ ૨૬ લાખ રૂપિયાની રકમ જાહેર કરી હતી. આ રકમ ૨૨૯ મુસાફરોના ૧૪૭ પરિવારોને આપવામાં આવી છે. જોકે, પીડિતોને હજુ સુધી ૧ કરોડ રૂપિયાનું વળતર મળ્યું નથી.
લંડન માટે રવાના થયેલા એર ઈન્ડિયાની ફ્લાઇટ ૧૨ જૂને અમદાવાદથી ટેકઆૅફની તુરંત બાદ એક મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં સવાર ૧૨ ક્રૂ મેમ્બર સહિત ૨૪૧ મુસાફરોના મોત થયા હતા,જ્યારે એક જ મુસાફરનો જીવ બચી શક્્યો હતો. આ સિવાય ૧૯ લોકોના મોત નિપજ્યાં હતાં.