પરિવાર રક્ષાબંધન ઉજવવા વતન ગયો, ઘરમાંથી ૨૮ લાખની ચોરી

અમદાવાદ, ઘોડાસરમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં રહેતા વેપારી પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા વતન ગયા હતા. આ દરમિયાન તેમના બંધ મકાનમાંથી તસ્કરો કુલ ૨૮ લાખની મતા ચોરી ગયા હતા. વટવા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધ્યો છે.ઘોડાસરમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં ૫૬ વર્ષીય મહેન્દ્રભાઈ પટેલ પરિવાર સાથે રહે છે અને વટવામાં ફેક્ટરી ધરાવે છે.
રક્ષાબંધન નિમિત્તે મહેન્દ્રભાઈ પરિવારના સભ્યો સાથે ૮ ઓગસ્ટે કપડવંજ ગયા હતા. રવિવારે પાડોશીનો ફોન આવ્યો કે તમારા મકાનના બાથરૂમની બારીનો કાચ નથી અને મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો છે.
ચોરી થઇ હોય તેમ લાગી રહ્યું છે, જલ્દીથી ઘરે આવી જાઓ. મહેન્દ્રભાઈ પરિવાર સાથે ઘોડાસર આવી ગયા અને જોયું તો બાથરૂમની બારીનો કાચ નહોતો અને પાછળનો દરવાજો જે ખૂલ્લો હતો તેમાંથી પ્રવેશ કરીને જોયું તો ઘરમાંનો સામાન વેરવિખેર હતો.
બીજા માળના રૂમમાં લાકડાના કબાટ, તિજોરી અને તેની અંદરના લોકર ખુલ્લા હતા. તેમાં રહેલા રોકડા ૨૦ લાખ અને ૮ લાખના દાગીના ગાયબ હતા. વેપારીએ વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ થઇ છે.ઘરફોડ ચોરીના ગુના આચરતી ટોળકી પોતાની સાથે ટાબરિયા ગેંગ રાખે છે. આ ટાબરિયા ગેંગમાં નાની ઉંમરના બાળકો હોય છે.
જે લોકોને સરળતાથી દુકાનના શટરને ઊંચું કરીને અંદર મોકલી શકાય અથવા તો ઘરના બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને ત્યારબાદ રૂમનો દરવાજો ખોલી નાખવાનું કામ ટાબરિયા ગેંગનું રહેતું હોય છે. ત્યારબાદ ટોળકી ઘરમાં અને દુકાનોમાં રહેલો સામાન ચોરીને ફરાર થઇ જાય છે.SS1MS