Western Times News

Gujarati News

એશિયા કપ માટે હાર્દિક પંડ્યા અને સૂર્યાએ ફિટનેસ ટેસ્ટ આપવી પડશે

મુંબઈ, એશિયા કપ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભમાં હવે માત્ર એક મહિનાનો સમય બાકી રહી ગયો છે ત્યારે ભારતીય ટી૨૦ ટીમના કેપ્ટન સુર્યકુમાર યાદવ અને ટીમના આધારભૂત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

આ સંજોગોમાં એશિયા કપ અગાઉ આ બંને ખેલાડીએ ફિટનેસ ટેસ્ટ આપવી પડશે.એક અહેવાલ અનુસાર એશિયા કપ માટેની ભારતીય ટીમની પસંદગી અગાઉ હાર્દિક પંડયા બેંગલોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) ખાતે રૂટિન ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થશે.

તેની ફિટનેસના મૂલ્યાંકન અને રિપોર્ટને આધારે પસંદગી સમિતિ તેના અંગે વિચારણા કરશે. હાર્દિક પંડ્યા છેલ્લે ભારત માટે માર્ચ મહિનામાં ન્યૂઝીલેન્ડ સામે વન-ડે રમ્યો હતો. જોકે ત્યાર બાદ તે મુંબઈ ઇન્ડિયન્સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યો હતો. તેની આગેવાની હેઠળ મુંબઈની ટીમ આઇપીએલ ૨૦૨૫ના પ્લે ઓફમાં પ્રવેશી હતી.

હાર્દિકના મુંબઈ ઇન્ડિયન્સના સાથી ક્રિકેટર અને ભારતીય ટી૨૦ ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હજી સંપૂર્ણ ફિટ નથી. તે પણ એનસીએ ખાતે વધુ એક સપ્તાહ રોકાનારો છે. એમસીએ ખાતેના ફિઝિયો તથા બોર્ડની મેડિકલ ટીમ સૂર્યાની ફિટનેસ ચકાસશે.

ઉલ્લેખનીય છે કે આઇપીએલ બાદ સૂર્યકુમાર યાદવે જર્મની ખાતે સ્પોટ્‌ર્સ હર્નિયાની સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તે કોઈ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. આમ યુનાઇટેડ આરબ અમિરાત ખાતે યોજાનારા એશિયા કપ અગાઉ સૂર્યકુમાર યાદવે પણ પોતાની ફિટનેસ પુરવાર કરવાની રહેશે.

આ ઉપરાંત ભારતીય પસંદગીકારો હાર્દિક અને સૂર્યકુમાર યાદવની ફિટનેસની ચકાસણી કરશે અને તેઓ ફિટ નહીં રહે તેવા સંજોગોમાં પસંદગીકારોએ નવા સુકાનીની પણ શોધ કરવાની રહેશે.તાજેતરમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યાે હતો અને તેમાં અત્યંત રોમાંચક ક્રિકેટ જોવા મળ્યું હતું. ભારતે શુભમન ગિલની આગેવાનીમાં પાંચ ટેસ્ટની સિરીઝ ડ્રો કરવામાં સફળતા હાંસલ કરી હતી.

ગિલની ભૂમિકા પ્રશંસનીય રહી હતી તે જોતાં છેલ્લા કેટલાક દિવસથી એવી અટકળો થઈ રહી છે કે એશિયા કપ ટુર્નામેન્ટમાં તેને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવે.એશિયા કપ માટેની ભારતીય ટીમની હજી જાહેરાત કરવામાં આવી નથી પરંતુ હાલના તબક્કે ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

સૂર્યકુમાર યાદવે જૂન મહિનામાં મ્યુનિક ખાતે સ્પોટ્‌ર્સ હર્નિયાની સર્જરી કરાવી હતી.મુંબઈના આ ૩૪ વર્ષીય આક્રમક બેટરે તે સમયે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે તેની સર્જરી સફળતાપૂર્વક પાર પડી છે.

સૂર્યકુમાર યાદવ છેલ્લે ફેબ્રઆરી ૨૦૨૫માં વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે ટી૨૦ ઇન્ટરનેશનલ રમ્યો હતો. જોકે આ મેચ બાદ તે અને ભારતીય ટીમ એકેય ટી૨૦ મેચ રમ્યા નથી.આ વખતના એશિયા કપનું આયોજન ભારતને ફાળવવામાં આવ્યું હતું પરંતુ ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશમાં રમતા નહીં હોવાને કારણે આ વખતની આ ટી૨૦ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ અમિરાતમાં રમાનારી છે.

આ વખતે ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈને એક ગ્‰પમાં રાખવામાં આવ્યા છે જ્યારે આઠ ટીમની આ ટુર્નામેન્ટના બીજા ગ્‰પમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગની ટીમ રમશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.