Western Times News

Gujarati News

AMA દ્રારા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા સ્વદેશી હાટ પ્રદર્શનનું આયોજન કરાયું 

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ગુજરાત સરકારના કમિશનર ઑફ ઇન્ડસ્ટ્રીઝના સહયોગમાં સ્વદેશી અને આત્મનિર્ભરતાની ભાવનાની ઉજવણીના ઉપક્રમે  એએમએ ખાતે સ્વદેશી હાટ પ્રદર્શન ૨૦૨૫ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને જાણીતા “વોટર વોરિયર” શ્રી ઉમાશંકર પાંડે દ્રારા કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનનો હેતુ સ્થાનિક કારીગરો, શિલ્પકારો અને ઉદ્યોગસાહસિકોને વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરીને સન્માન આપવાનો અને તેમને સહાય કરવાનો છે. આ પ્રદર્શનમાં પરંપરાગત માતાની પછેડી અને કચ્છનું ભરતકામ, હાથવણાટની પટોળા સાડીઓ, અને હસ્તકળાના કપડાં, સિરામિક્સ અને એસેસરીઝ સહિતની અનન્ય હસ્તકળાઓ જોઈ શકશે.

ઉપરાંત હાથથી બનાવેલા સાબુ અને સૌંદર્ય પ્રસાધનો જેવી ઓર્ગેનિક અને ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ, તેમજ પરંપરાગત નાસ્તા અને મસાલાનો પણ આમાં સમાવેશ થાય છે. સ્વદેશી હાટ પ્રદર્શન ૨૦૨૫, સ્થાનિક ઉદ્યોગોને ટેકો આપવાની સાથે ભારતની સમૃધ્ધ સાંસ્કૃતિક અને આર્થિક વિરાસતની ઉજવણી કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. આ પ્રદર્શન ૧૩મી ઓગસ્ટ, ૨૦૨૫ સુધી સવારે ૧૦:૦૦થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

સ્વદેશી હાટ પ્રદર્શન ૨૦૨૫ના ભાગ રૂપે “વન સિટી – વન નેમ: અમદાવાદ” વિષય પર એક વિશેષ વાર્તાલાપ અને ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ બુધવાર, ૧૩ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૪૫ કલાકે યોજાશે. જેમાં જાણીતા દંત ચિકિત્સક, લેખક, ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા અને ઇતિહાસકાર ડૉ. માણેક પટેલ “સેતુ” સંબોધન કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.