Western Times News

Gujarati News

સંરક્ષણ ઉત્પાદન વિભાગ દ્વારા ગાંધીનગરમાં “વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઈન ડિફેન્સ સેક્ટર” નું આયોજન

GCCI દ્વારા સંરક્ષણ ઉત્પાદન વિભાગભારત સરકાર, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર તેમજ લઘુ ઉદ્યોગ ભારતી સાથે સંયુક્ત રીતે તારીખ 11 ઓગસ્ટ, 2025 ના રોજ ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે આયોજિત થયેલ “વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઈન ડિફેન્સ સેક્ટર” નું આયોજન. 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) એ ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને લઘુ ઉદ્યોગ ભારતીના સહયોગથી ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે  “વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઈન ડિફેન્સ સેક્ટર” નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ “સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર ભારત” વિઝનને પ્રોત્સાહિત કરવાનો હતો, જેમાં ખાસ કરીને ભારતના ઝડપથી વિકસતા સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમમાં MSME અને સ્ટાર્ટઅપ્સને અર્થપૂર્ણ રીતે ભાગ લેવા માટે સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમમાં સંરક્ષણ ક્ષેત્રે મુખ્ય સંસ્થાઓ જેવીકે DRDO લેબોરેટરીઝ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ, L&T પ્રિસિઝન એન્જિનિયરિંગ અને સિસ્ટમ્સ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નો સમાવેશ થતો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગો, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત તેમજ શ્રી સંજીવ કુમાર, IAS, સચિવ, સંરક્ષણ ઉત્પાદન, ભારત સરકાર, શ્રીમતી મમતા વર્મા, IAS, મુખ્ય સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર, શ્રીમતી મનીષા ચંદ્રા, IAS, સંયુક્ત સચિવ, સંરક્ષણ ઉત્પાદન, ભારત સરકાર, શ્રી સ્વરૂપ પી, IAS, ઉદ્યોગ કમિશનર, ગુજરાત, શ્રી સંદીપ સાગલે, IAS, કમિશનર, MSME, શ્રી કે. સી. સંપત, IAS, M.D. inDEXTb, શ્રી લોકેશ કુમાર શર્મા, નાયબ મહાનિર્દેશક, સંરક્ષણ મંત્રાલય, શ્રી નરેશ બાબુતા, જનરલ મેનેજર, SIDBI, મેજર જનરલ શ્રી એ.કે. ચન્નન, DRDO, શ્રી રાજેશ ગાંધી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, GCCI,  શ્રી સુધાંશુ મહેતા, માનદ સચિવ, GCCI, શ્રી બિપેન્દ્રસિંહ જાડેજા, માનદ સચિવ (રિજનલ), GCCI, શ્રી ગૌરાંગ ભગત, માનદ કોષાધ્યક્ષ GCCI, શ્રી બલદેવભાઈ પ્રજાપતિ, પ્રમુખ, લઘુ ઉદ્યોગ ભારતી અને શ્રી હંસરાજ ગજેરા, લઘુ ઉદ્યોગ ભારતી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સેમિનારની શરૂઆત શ્રી કે. સી. સંપત, એમ.ડી. INDEXTB દ્વારા સ્વાગત પ્રવચન થી થઈ હતી. તેઓએ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની વ્યૂહાત્મક આવશ્યકતા અને આ રાષ્ટ્રીય ઉદ્દેશ્યને ટેકો આપવા માટે ગુજરાત સ્થિત ઉદ્યોગોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેઓએ ભારતને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર માં રૂપાંતરિત કરવાની સરકારની પ્રતિબદ્ધતા વિશે પુનરોચ્ચાર કર્યો હતો.

GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધીએ પોતાના વક્તવ્યમાં ખાસ કરીને સંરક્ષણ જેવા વ્યૂહાત્મક મહત્વના ક્ષેત્રોમાં, MSME અને સ્ટાર્ટઅપ્સને પોષતી સક્ષમ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે GCCI ની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. તેઓએ ઉદ્યોગના વિવિધ હિસ્સેદારો અને પોલિસી મેકર્સને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે GCCI ના સતત પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેઓએ સંરક્ષણ નીતિના નિર્માણ અને સક્ષમ કરણ અને સંરક્ષણ ઉત્પાદનમાં પ્રગતિ ને વેગ આપવા માટે સરકારની વેન્ડર પોલીસી વિશે વાત કરી હતી. તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે ગુજરાતમાં નાના પાયાના ઉદ્યોગો સંરક્ષણ ઉત્પાદનમાં જોડાવા માટે પ્રતિબદ્ધ છે અને આપણા રાજ્યમાં આ હેતુ માટે ઉત્તમ માળખાગત સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ પ્રસંગે ઉદબોધન કરતા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ શ્રી બળદેવભાઈ પ્રજાપતિએ MSMEs ને “આત્મનિર્ભર ભારત” પહેલ હેઠળ નવીનતા અપનાવીને અને સંરક્ષણ ખરીદીના ધોરણો સાથે કામગીરીને સંરેખિત કરીને ઉભરતી તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા.

ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદનના સંયુક્ત સચિવ શ્રીમતી મનીષા ચંદ્રાએ સંરક્ષણ સ્વ-નિર્ભરતા માટે રાષ્ટ્રીય રોડમેપ ની રૂપરેખા પુરી પાડી હતી. તેઓએ ખાનગી ક્ષેત્રના સહયોગના મહત્વ અને વેન્ડર સપોર્ટ ને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓએ સંરક્ષણ સાધનોના સ્થાનિક ઉત્પાદન અને તેની નિકાસમાં થયેલા મોટા વધારા વિશે પણ વાત કરી હતી. તેઓએ આપણા દેશના એક સંરક્ષણ આયાતકાર થી સંરક્ષણ સાધનો ના નિકાસકાર માં થયેલ પરિવર્તન વિશે વાત કરી હતી. તેઓએ ગુજરાત રાજ્ય માટે સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર અવકાશ પર ભાર મૂક્યો હતો. તેઓએ ઉત્પાદન પ્રવૃત્તિઓને 2 ટાયર અને 3 ટાયર શહેરોમાં લઈ જવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્માએ રાજ્યના મજબૂત ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ અને સંરક્ષણ ઉત્પાદનને ટેકો આપતી નીતિગત ઇકોસિસ્ટમ, જેમાં ક્લસ્ટર વિકાસ, નાણાકીય પ્રોત્સાહનો અને કૌશલ્ય વૃધ્ધિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે, તેના પર વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેઓએ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેઓએ નાના પાયાના ઉદ્યોગોને સરકારના સમર્થન વિશે પણ વિગતવાર વાત કરી હતી.

ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન સચિવ શ્રી સંજીવ કુમારે રાજ્ય-સ્તરીય વિક્રેતા નેટવર્કની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો અને સંરક્ષણ ઉત્પાદન પ્રત્યે ગુજરાતની શક્તિ અને સંભાવના વિશે વિગતવાર વાત કરી હતી. તેઓએ આ સંદર્ભમાં માંગ અને પુરવઠા શૃંખલા વિશે વિગતવાર માહિતી આપી હતી. તેઓએ ભારતના એક મહત્વપૂર્ણ ડિફેન્સ પ્લેયર તરીકે થયેલ ઉદભવ નો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સંરક્ષણ ઉત્પાદનમાં AI, મશીન લર્નિંગ, ઓટોમેશન વગેરેના સમાવેશનો પણ ઉલ્લેખ કર્યો હતી. તેઓએ ડિફેન્સ ક્ષેત્રે માંગ ઊભી કરવા, શસ્ત્રોનું ઉત્પાદન કરવા અને સંરક્ષણ ઉદ્યોગ માટે સરકાર તરફથી સહાય અને ભંડોળની ઉપલબ્ધતા વિશે પણ વાત કરી હતી.

ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે સભાને સંબોધન કર્યું હતું. તેઓએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, GCCI અને લઘુ ઉદ્યોગ દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું સંયુક્ત આયોજન કરવા માટે તેઓની પ્રશંસા કરી હતી. તેઓએ તે બાબત પર ખાસ ભાર મુક્યો હતો કે ભારત દેશ તેના વર્તમાન ચોથા શ્રેષ્ઠ અર્થતંત્ર થી ત્રીજી મુખ્ય અર્થવ્યવસ્થા બનવા તરફ ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે “વિઝન 2047” માટેનો આપણો રોડ મેપ તૈયાર છે અને આપણે તે મુજબ આગળ વધવું જોઈએ. તેઓએ “સ્કિલ ઇન્ડિયા” તેમજ “વોકલ ફોર લોકલ” વિશે વાત કરી હતી. તેઓએ સરકારી નીતિઓ ઘડતા પહેલા ઉદ્યોગસાહસિકોની આકાંક્ષાઓને સમજવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ “સ્કિલ યુનિવર્સિટી” બનાવવા વિશે પણ વાત કરી હતી જ્યાં કર્મચારીઓ અને શ્રમજીવીઓને જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કરી શકશે. તેઓએ સંરક્ષણ ક્ષેત્ર, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર મિશનની સુવિધા માટે બજેટમાં જંગી વધારા વિશે પણ વાત કરી હતી. તેઓએ સંરક્ષણ ઉદ્યોગના લાભ માટે નીતિઓના અમલીકરણ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો તેમજ જણાવ્યું હતું કે  જ્યારે દેશ પાસે યુવા શક્તિ તેમજ સ્થાનિક ઉત્પાદનની અનેકવિધ શક્યતાઓ ઉપલબ્ધ છે ત્યારે સફળતા તેનું સહજ પરિણામ બની રહે છે.

ઉદ્ઘાટન સત્ર પછી પ્રસ્તુત કાર્યક્રમ ના વિવિધ ટેકનિકલ વિષય પર પ્રસ્તુતિ થઇ હતી.

સંરક્ષણ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી લોકેશ કુમાર શર્માએ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવામાં MSMEs ની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડતા સત્રનું નેતૃત્વ કર્યું હતું.

સ્વદેશી એમ્પ્રેસા પ્રા. લી. નામના સંરક્ષણ સ્ટાર્ટઅપે સંરક્ષણ ઇકોસિસ્ટમમાં સ્ટાર્ટઅપ યોગદાન અંગે રજૂઆત કરી હતી.

લઘુ ઉદ્યોગ ભારતીના શ્રી હંસરાજ ગજેરા દ્વારા આભાર વિધિ પછી આ સત્ર પૂરું થયું હતું.

બપોરના સત્રની શરૂઆત SIDBIના જનરલ મેનેજર શ્રી નરેશ બાબુતા દ્વારા પ્રેઝન્ટેશન સાથે થઈ હતી, જેમાં ‘CASH DEFENCE’ યોજના હેઠળ ઉપલબ્ધ નાણાકીય સહાયની વિગતો આપવામાં આવી, જેનો હેતુ MSMEs ને મૂડી મેળવવા અને નીતિગત લાભોનો લાભ લેવામાં સહાય કરવાનો હતો. ત્યારબાદ TATA એડવાન્સ્ડ સિસ્ટમ્સ તરફથી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું, જેમાં તેમની વિક્રેતા જોડાણ વ્યૂહરચના અને ખરીદી જરૂરિયાતોની રૂપરેખા આપવામાં આવી હતી.

ત્યારબાદ સંરક્ષણ ક્ષેત્રના મુખ્ય ઉદ્યોગકારો જેવાકે L&T પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ્સ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા પ્રેઝન્ટેશન પ્રસ્તુત થયા હતા. તેઓએ તેમની વિક્રેતા વિકાસ વ્યૂહરચનાઓ અને MSME ભાગીદારો  અન્વયે વિવિધ અપેક્ષાઓ નો ઉલ્લેખ કર્યો હતો.

DRDO લેબોરેટરીઝ નું પ્રતિનિધિત્વ કરતા મેજર જનરલ એ.કે. ચન્નને વર્તમાન સંરક્ષણ પ્રાપ્તિ પ્રક્રિયાઓ અને ઉદ્યોગ સહયોગ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રતિનિધિ દ્વારા શૈક્ષણિક ભાગીદારી દ્વારા સંરક્ષણ માં નવીનતા અને સ્ટાર્ટઅપ સંડોવણી પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રસ્તુતિ સાથે સત્રનું સમાપન થયું હતું.

કાર્યક્રમના અંતભાગ માં આયોજિત થયેલ પ્રશ્નોતરી સત્ર પણ ખુબ માહિતીપૂર્ણ સાબિત થયું હતું જેમાં સહભાગીઓએ સંરક્ષણ ક્ષેત્રમાં સંભવિત સહયોગ અને વ્યવસાયિક તકો શોધવા માટે અધિકારીઓ અને ઉદ્યોગના નેતાઓ સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.