Western Times News

Gujarati News

માત્ર 10 કિલોનું આ પોર્ટેબલ ડીપ ટ્રેકર પાણીની અંદર જઈને 100 કિલો સુધીનું વજન ઊંચકીને બહાર કાઢી શકે છે

ડીપ ટ્રેકર વિહિકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં  રહેલા એવિડન્સ રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર: ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’ ખરીદ્યા

ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિડીયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન  4K કેમેરાથી સજ્જ આ વિહિકલ ડહોળા પાણીમાં પણ ઓપરેશન પાર પાડી શકે છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષામાં નવા આયામો ઉમેરી રહી છે. આ દિશામાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના નિર્દેશ હેઠળ, ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રૂ.૨.૮૦ કરોડના ખર્ચે બે અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’ ખરીદ્યા છે. આ બેમાંથી એક વિહિકલ વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું છે.

આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વિહિકલ પાણીની અંદર ૨૦૦ મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ, એવિડન્સ રિકવરી, ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે. આ વિહિકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા (એવિડન્સ) રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે.

ડીપ ટ્રેકર વિહિકલની વિશેષતાઓ:

·        પાણીની અંદર ૨૦૦ મીટર સુધીની ઊંડાઈએ જઈ શકે છે.

·        સ્પષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન (UHD) 4K કેમેરાથી સજ્જ.

·        નાઈટ ઓપરેશન માટે ૨૦૦૦ લ્યુમેનની શક્તિશાળી લાઈટ

·        ડહોળા પાણીમાં પણ ચોક્કસ ઓપરેશન કરવા માટે અત્યાધુનિક મલ્ટીબિમ SONAR (સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ) ટેકનોલોજીનો ઉપયોગ.

·        ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવો અને ૧૦૦ કિલો સુધીનું વજન પકડીને બહાર કાઢી શકે તેવો ગ્રેબર આર્મ.

પોલીસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે:

ડીપ ટ્રેકર વિહિકલનો ઉપયોગ અનેક મહત્વપૂર્ણ કામગીરી માટે થઈ શકશે

·        અંડરવોટર સર્ચ એન્ડ રિટ્રિવલ,

·        પુરાવા (એવિડન્સ) સર્ચ એન્ડ રિકવરી,

·        અંડરવોટર સર્વેલન્સ,

·        અંડરવોટર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન

·        પોસ્ટ ક્રાઇમ વિડીયોગ્રાફી

તાજેતરમાં, ગુજરાત પોલીસે ગંભીરા દુર્ઘટનામાં પણ આ વિહિકલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ વિહિકલનું સંચાલન ગુજરાત પોલીસના જ અધિકારી-કર્મચારીઓ કરે છે. આ માટે પોલીસ અધિકારી કર્મચારીઓએ ત્રણ-ત્રણ દિવસની ખાસ તાલીમ પણ મેળવી છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ‘ડીપ ટ્રેકર’ ટેકનોલોજીનો સફળ ઉપયોગ

તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટનામાં, ગુજરાત પોલીસે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં વડોદરા રૂરલ એસ.પી શ્રી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસની ખાસ તાલીમબદ્ધ ટીમે આ અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’નો ઉપયોગ કર્યો હતો.

નદીમાં પાણી ડહોળું હતું, છતાં પણ આ વિહિકલે અદ્ભુત કામગીરી કરી. તેની મદદથી પોલીસને પાણીના ઊંડાણમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાની શોધખોળ કરવામાં ઘણી મદદ મળી. આ ઓપરેશન દરમિયાન, ‘ડીપ ટ્રેકર’ વિહિકલના કેમેરા અને ગ્રેબર આર્મની મદદથી બાઇક અને તેના કેટલાક મહત્વના પાર્ટ્સ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનાએ સાબિત કરી દીધું કે, આ ‘ડીપ ટ્રેકર’ વિહિકલ પોલીસને માત્ર ગંભીર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન અને પુરાવા શોધવામાં જ નહીં, પરંતુ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં જ પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.