ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિક અપ અને ટ્રક વચ્ચે ટક્કર

૭ બાળક સહિત ૧૦ના મોત
પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને તેમની ઓળખ કરી પરિજનોને જાણ કરવાની કામગીરી હાથ ધરી છે
રાજસ્થાન,રાજસ્થાનના દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિક અપની ટ્રક સાથે ભીષણ ટક્કર થઇ હતી. આ દરમિયાન ભયાનક અકસ્માતમાં ૧૦ લોકોના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃતકોમાં ૭ બાળકો અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે.આ વિશે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, ‘ખાટુશ્યામ મંદિરથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો શિકાર બન્યા હતા.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત નિપજ્યા છે અને ૧૦ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આશરે ૭-૮ લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે અને તેમની ઓળખ કરી પરિજનોને જાણ કરવાની કામગીરી હાથ ધરી છે. આ સિવાય ઘટનાસ્થળે આસપાસના લોકોની પૂછપરછ કરી અકસ્માતનો ગુનો દાખલ કર્યાે છે. આ મામલે પીએમ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.
દૌસાના જિલ્લા કલેક્ટર દેવેન્દ્ર કુમારે કહ્યું કે, ‘પ્રાથમિક માહિતી મુજબ, બાપી પાસે એક અકસ્માતમાં ૧૦ લોકોના મોત નિપજ્યા છે. ૯ જેટલા લોકોને સારવાર માટે રાજસ્થાન ખસેડવામાં આવ્યા છે અને ૩ દર્દી જિલ્લાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ અકસ્માત એક કાર અને એક ટ્રેલર ટ્રક વચ્ચે થયો હતો.’