માત્ર દોષિત હોય તેને રાજકીય પક્ષ બનાવતા કેવી રીતે રોકી શકાય? : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે એક કેસમાં ટિપ્પણી કરી
પીઆઈએલમાં જણાવાયું છે કે ઘણા ભ્રષ્ટ, ગુનેગાર અને દોષિત વ્યક્તિઓ દ્વારા રાજકીય પક્ષો બનાવવાથી જનતાને નુકસાન થઈ રહ્યું છે
નવી દિલ્હી,કોઈ વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવ્યો હોય તે તેનો અર્થ એ નથી કે તેને રાજકીય પક્ષ બનાવતા રોકી શકાય છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને વૈધાનિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો હોય તો તેનો મતલબ એ નથી કે તેના બંધારણીય અધિકારો પણ છીનવી લેવા જોઈએ. ૨૦૧૭માં દાખલ એક પીઆઈએલમાં દોષિત ગુનેગારોને રાજકીય પક્ષો બનાવવા અને ટિકિટ વહેંચવાથી અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું હતું કે, પીઆઈએલમાં રસપ્રદ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જોકે, બેન્ચે સંકેત આપ્યો હતો કે તે અન્ય દિવસે આ મુદ્દે સુનાવણી કરશે. કેસ માટે હાજર થયેલા એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે દલીલ કરી હતી કે, જે વ્યક્તિને મતદાર યાદી સાથે જોડવાથી વંચિત રાખવામાં આવ્યો છે અને જે મતદાન પણ નથી કરી શકતો તેને રાજકીય પક્ષ બનાવવાથી રોકવામાં આવી રહ્યો નથી.
તેમણે વધુમાં કહ્યું કે, જે વ્યક્તિ મત માટે નથી લડી શકતો, ચૂંટણી નથી નથી લડી શકતો, તે જેલમાં બેસીને રાજકીય પક્ષ કેવી રીતે બનાવી શકે છે?પીઆઈએલમાં જણાવાયું છે કે ઘણા ભ્રષ્ટ, ગુનેગાર અને દોષિત વ્યક્તિઓ દ્વારા રાજકીય પક્ષો બનાવવાથી જનતાને નુકસાન થઈ રહ્યું છે. હાલમાં, હત્યા, બળાત્કાર, દાણચોરી, મની લોન્ડરિંગ, રાજદ્રોહ, લૂંટ વગેરે જેવા જઘન્ય ગુનાઓમાં દોષિત વ્યક્તિ રાજકીય પક્ષ બનાવીને તેનો અધ્યક્ષ બને છે.
દાખલા તરીકે લાલુ યાદવ, ઓપી ચૌટાલા અને શશી કલા મોટા કૌભાંડોમાં દોષિત છે, તેમ છતાં તેઓ સર્વાેચ્ચ રાજકીય હોદ્દા પર બિરાજમાન છે અને રાજકીય શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે.