દિલ્હી-NCRમાં જૂના વાહનો સામે દંડાત્મક કાર્યવાહી નહીં : સુપ્રીમ કોર્ટ

૧૦-૧૫ વર્ષ જૂના વાહનોના માલિકોને રાહત આપતો સુપ્રીમનો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે દિલ્હી તથા એનસીઆરમાં ૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનોને દોડાવવા પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર સ્ટે આપ્યો છે
નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં જૂના પેટ્રોલ-ડીઝલ વાહનો પર પ્રતિબંધના મામલે વાહન માલિકોને રાહત આપી છે. પ્રતિબંધને પડકારતી દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)ને ચાર સપ્તાહમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જૂના વાહનોના માલિકો સામે દંડાત્મક કાર્યવાહી નહીં કરવા સત્તાવાળોઓને આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી તથા એનસીઆરમાં ૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનોને દોડાવવા પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર સ્ટે આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્દેશના સમર્થનમાં ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ના આદેશને પરત ખેંચવાની દિલ્હી સરકારની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. મંગળવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી આર ગવઈ, જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એન વી અંજારિયાની ખંડપીઠે દિલ્હી-એનસીઆરમાં જૂના વાહનોનાં માલિકો સામે દંડાત્મક કાર્યવાહી નહીં કરવા આદેશ કર્યાે હતો.
દિલ્હી સરકાર વતી સોલિસિટર તુષાર મહેતાએ આ મામલે વિચારની જરૂર હોવાની દલીલ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો તેમના વાહનોનો માત્ર ઘરથી ઓફિસ સુધી દૈનિક મર્યાદિત ઉપયોગ કરે છે. આવા કિસ્સમાં કોઈ વાહન ૧૦ વર્ષમાં માંડ બે હજાર કિલોમીટર જ ચાલે છે. પરંતુ પ્રવર્તમાન નિયમ અંતર્ગત પ્રતિબંધને લીધે ૧૦ વર્ષ જૂના વાહનનું વેચાણ કરવું પડે છે. સુપ્રીમે આ કેસમાં ચાર સપ્તાહમાં જવાબ રજૂ કરવા સીએક્યુએમને નોટિસ આપી છે.
વચગાળાના સમયમાં સત્તાવાળઓને જૂના વાહન માલિકો સામે દંડાત્મક કાર્યવાહી નહીં કરવા બેન્ચે નિર્દેશ આપ્યો છે.દિલ્હીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ઓર્ડરને આધારે સુપ્રીમ કોર્ટે અગાઉ ૨૦૧૮માં ૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનો ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્દેશ આપ્યો હતો. આ વર્ષે જુલાઈમાં વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે દિલ્હી-એનસીઆરમાં જૂના વાહનોને ઈંધણ નહીં આપવાનો નિયમ પણ લાગુ કર્યાે હતો.