Western Times News

Gujarati News

ઉમરેઠના ધુળેટા પાસે બાઈક ખાડામાં પડતાં પત્નીનું મોત,પિતા-પુત્રીને ઈજા

વડોદરાના સિહોરા ગામે રહેતો યુવક બાઈક ઉપર ચકલાસીથી સિહોરા ગામે જતા રસ્તામાં પડેલા ખાડામાં બાઈક પડતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત નડ્યો

આણંદ,આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામે કેનાલથી આગળ કોટ ચોકડી થઈ જેસાપુરા તરફ જતા રોડ ઉપર પડેલા ખાડામાં બાઈક પડતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેમાં બાઈકચાલક પતિ, પત્ની અને પુત્રી રોડ પર પટકાયા હતા. જેથી પત્નીને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું, જ્યારે પિતા-પુત્રીને ઈજા થયાની ફરિયાદ ઉમરેઠ પોલીસમથકમાં નોંધાઈ છે.વડોદરાના ડેસર તાલુકાના જુના સિહોરા ગામે કુવાવાળા ફળીયામાં ૩૦ વર્ષીય અજીતસિંહ ભીમસિંહ પરમાર પોતાના પત્ની રંજનબેન, બે વર્ષીય દીકરી પ્રિયાંસી સહિતના પરિવાર સાથે રહે છે. જેઓ ડમ્પર ઉપર ડ્રાઈવીંગ કરી જીવન ગુજરાન ચલાવે છે.

સોમવારે અજીતસિંહ પરમાર પોતાના ફળીયામાં રહેતા વિક્રમસિંહ નટવરસિંહ પઢીયારના બાઈક નંબર જીજે-૦૬-ક્યુઆર-૯૫૯૯ની પાછળ પત્ની રંજનબેન અને દીકરી પ્રિયાંશીને બેસાડીને નડિયાદના ચકલાસી ગામે સંબંધીની ખબર જોવા માટે ગયા હતા. સાંજના ચાર વાગ્યાના અરસામાં અજીતસિંહ પરમાર બાઈક ઉપર પત્ની અને પુત્રીને બેસાડી પરત પોતાના ગામ સિહોરા જવા નીકળ્યા હતા અને કોટ ચોકડી થઈ જેસાપુરા તરફ જતા હતા. ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામ નજીક કેનાલ પર રોડ પર પડેલા ખાડામાં બાઈક પડતા જ બાઈક ચાલક અજીતસિંહ પરમારે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો.

જેમાં અજીતસિંહ પરમાર, રંજનબેન તેમજ પુત્રી પ્રિયાંસી રોડ પર પટકાયા હતા. જેમાં પ્રિયાંસી તેમજ અજીતભાઈને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે રંજનબેનને માથાની પાછળના ભાગે, મોઢામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બનતાં જ આજુબાજુમાંથી લોકો તેમજ જતા આવતા વાહન ચાલકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ મોબાઈલને જાણ કરતા જ ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ કરતા માથામાં ગંભીર ઈજાઓ થતા રંજનબેનનું મોત નિપજ્યુ હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો તેમજ સગા-સંબંધી ઉપરાંત ઉમરેઠ પોલીસમથકના માણસો પર સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં મરણ પામેલા રંજનબેનના મૃતદેહને પીએમ માટે ઉમરેઠ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે અજીતસિંહ ભીમસિંહ પરમારની ફરિયાદ લઈ ઉમરેઠ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.