હિંમતનગરમાં કામધેનુ વેટરનરી કૉલેજ મંજૂર: 80 સીટ પર પ્રવેશ મળશે

ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, આગામી મહિનાથી પ્રવેશ શરૂ થશે
23 એકર વિસ્તારમાં અત્યાધુનિક કેમ્પસ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા અને છેવાડાના માનવીની સુખાકારી માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેના પરિણામ સ્વરૂપે, રાજ્યના વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે વધુ એક નવી સુવિધાની ભેટ પ્રદાન કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં હિંમતનગર ખાતે નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2025-26થી આ કૉલેજમાં 80 સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે.
કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત હિંમતનગરમાં નવી કામધેનુ વેટરનરી કૉલેજ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ બાબતે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (VCI) દ્વારા નિરિક્ષણ અને યોગ્ય સમીક્ષા બાદ આ વર્ષથી આ કૉલેજ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
કૉલેજ પ્રવેશ અને કોર્સ
વેટરનરી ચિકિત્સાના અભ્યાસ માટે આણંદ, નવસારી, જુનાગઢ અને દાંતીવાડા બાદ રાજ્યમાં આ પાંચમી કૉલેજ છે. ધોરણ 12 પાસ કર્યા બાદ નીટ પરીક્ષાના આધારે આ કૉલેજમાં પ્રવેશ મળશે. આ કૉલેજમાં વિદ્યાર્થીઓ બેચલર ઓફ વેટરનરી સાયન્સ (BVSc) અને એનિમલ હસ્બન્ડરી ડિગ્રી કોર્સનો અભ્યાસ કરી શકશે. અભ્યાસક્રમ શરૂ કરવા માટે પૂરતા સ્ટાફની નિમણૂક પૂર્ણ થઇ ચૂકી છે જેમાં 01 પ્રિન્સિપાલ, 04 પ્રોફેસર, 07 એસોસિએટ પ્રોફેસર, 34 આસિસ્ટન્ટ પ્રોફેસર અને 23 નોન ટીચીંગ સ્ટાફનો સમાવેશ થાય છે.
અત્યાધુનિક કેમ્પસ અને ઓછી ફીમાં વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધા
આ કૉલેજ શરૂ થવાથી હવે રાજ્યના વિદ્યાર્થીઓને વધુ એક સારી કૉલેજમાં અભ્યાસ કરવાની તક મળશે. આ કૉલેજનું કેમ્પસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. વિદ્યાર્થીઓ માટે સરકારી ધોરણો અનુસાર ઓછી ફીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત અભ્યાસ સાથે રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પશુ આરોગ્ય મેળાઓની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત દેશનું એવું રાજ્ય છે જ્યાં પશુધન માટે હેલ્થકાર્ડ, પશુ આરોગ્ય મેળા અને પશુઓના મોતીયાના ઓપરેશનની સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવી છે. આ અભિયાનને આગળ લઇ જવામાં આ કૉલેજ આગામી સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.