ઓસ્ટ્રેલિયા સામેની ટી૨૦માં ૨૧૮ રનના સ્કોર બાદ સાઉથ આફ્રિકાનો ૫૩ રનથી વિજય

ટી૨૦ ક્રિકેટમાં સાઉથ આફ્રિકા માટે સૌથી ઝડપી સદી
બ્રાવિસની ઝંઝાવાતી સદી, બીજી ટી૨૦માં સાઉથ આફ્રિકાનો વિજય
ડારવિન,ડેવાલ્ડ બ્રાવિસે ઝંઝાવાતી સદી ફટકારતાં પ્રવાસી સાઉથ આફ્રિકાએ બે દિવસ અગાઉ થયેલા પરાજયનો બદલો લઈને મંગળવારે રમાયેલી સિરીઝની બીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૫૩ રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝમાં સ્કોર ૧-૧થી સરભર થઈ ગયો હતો. આમ ૧૬મી ને શનિવારે રમાનારી ત્રીજી મેચ નિર્ણાયક બની ગઈ છે. અહીં રમાયેલી બીજી ટી૨૦માં ડેવાલ્ડ ૪૧ બોલમાં સદી પૂરી કર્યા બાદ ૫૬ બોલમાં ૧૨૫ રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકન ટી૨૦ ક્રિકેટમાં ડેવિડ મિલર બાદ આ બીજી સૌથી ઝડપી સદી હતી.
બ્રાવિસના અણનમ ૧૨૫ રનની મદદથી સાઉથ આફ્રિકાએ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૨૧૮ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૧૮મી ઓવર સુધીમાં ૧૬૫ રનમાં આઉટ થઈ ગઈ હતી. બ્રાવિસે સાઉથ આફ્રિકન ટી૨૦માં કોઈ પણ બેટર માટેનો આ સર્વાેચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી હતી.બ્રાવિસના ૧૨૫ રનને બાદ કરતાં બીજો સર્વાેચ્ચ સ્કોર માત્ર ૩૧ રનનો રહ્યો હતો જે ત્રિસ્તાન સ્ટબ્સે ૨૨ બોલમાં ફટકાર્યા હતા.
તેણે બ્રાવિસ સાથે લગભગ નવ ઓવરની બેટિંગમાં ૧૨૬ રનની તેજીલી ભાગીદારી નોંધાવી હતી. ઓસ્ટ્રેલિયા માટે શરૂઆતથી જ આ સ્કોર અઘરો પુરવાર થયો હતો. ટિમ ડેવિડે ૨૪ બોલમાં ચાર સિક્સર સાથે ૫૦ રન ફટકાર્યા હતા પરંતુ તે સિવાયના બેટર ખાસ લડાયક પ્રદર્શન કરી શક્યા ન હતા.ઓસ્ટ્રેલિયા સામેની ટી૨૦ ક્રિકેટ સિરીઝની બીજી મેચમાં મંગળવારે સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસે ૪૧ બોલમાં સદી ફટકારી હતી. ટી૨૦ ક્રિકેટમાં સાઉથ આફ્રિકા માટે આ બીજી સૌથી ઝડપી સદી હતી. અગાઉ ૨૦૧૭માં ડેવિડ મિલરે બાંગ્લાદેશ સામે રમતાં ૩૫ બોલમાં સદી ફટકારી હતી.