રણબીર કપૂર મર્યાદા પુરુષોત્તમ રામનો રોલ ભજવી શકશે કે નહીં ? : મુકેશ ખન્ના

રણબીર કપૂરની રામાયણ પર મુકેશ ખન્નાની ટિપ્પણી
શ્રીરામ ક્યારેય આવું થોડું કરે! હિન્દુઓ ક્યારેય નહીં સ્વીકારે’
‘રામાયણ’માં રણબીર કપૂર ઉપરાંત સની દેઓલ, સાંઈ પલ્લવી અને યશ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે‘
મુંબઈ,રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની જ્યારેથી જાહેરાત થઈ છે, ત્યારથી ફિલ્મ ચર્ચામાં છે. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર ભગવાન ‘રામ‘નું પાત્ર ભજવી રહ્યો છે, જેના પર હવે મુકેશ ખન્નાએ પ્રતિક્રિયા આપી છે. મુકેશ ખન્ના તેમના નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેમણે ચેતવણી આપી છે કે રણબીરની ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ની ઈમેજની અસર આ ફિલ્મ પર પડી શકે છે.એક ઇન્ટરવ્યુમાં મુકેશ ખન્નાએ કહ્યું કે, ‘તમે રામને ઝાડ પર ચડતા અને તીર ચલાવતા બતાવી રહ્યા છો.
કૃષ્ણ કે અર્જુન આવું કરી શકે, પણ રામ આવું ન કરે. જો રામએ પોતાને યોદ્ધા ગણાવ્યા હોત, તો તેઓએ ક્યારેય વાનરોની મદદ માંગી ન હોત. તેઓ એકલા જ રાવણ સામે લડી લેત.’મુકેશ ખન્નાએ આગળ કહ્યું, ‘જે હું જોઈ રહ્યો છું, તેના આધારે મને ખબર નથી કે રણબીર કપૂર મર્યાદા પુરુષોત્તમ રામનો રોલ ભજવી શકશે કે નહીં. તે એક સારો અભિનેતા છે, પણ ફિલ્મ ‘એનિમલ’ના કારણે તેની એક નેગેટીવ ઈમેજ બની ગઈ છે. મને એનાથી કોઈ વાંધો નથી. તે કરી શકે છે. પણ જો તમે રામને યોદ્ધા બતાવશો તો લોકો સ્વીકાર નહીં કરે. રામ હાથ જોડીને ૧૪ વર્ષનો વનવાસ સ્વીકારે છે. શબરીના એઠાં બોર ખાય છે.
તેઓ તીર-કમાન ચલાવતા નથી.’ અભિનેતાએ આગળ કહ્યું કે, ‘રામાયણ’થી મોટો બીજો કોઈ વિષય હોઈ જ ન શકે. પણ મેં જોયું છે કે ‘આદિપુરુષ’ની કેવી રીતે ખરાબ હાલત કરી નાખી. હવે કોઈ બીજું તેને બનાવી રહ્યું છે. જો એ જ વલણ રાખીને તમે ફિલ્મ બનાવશો, તો હિન્દુઓ તમને છોડશે નહીં. ‘રામાયણ’ ૧૦૦૦ કરોડના બજેટથી નથી બનતી, તે તેના વિષયવસ્તુ (કન્ટેન્ટ)થી બને છે. જેમ કે ‘શક્તિમાન’ શો સ્ટાર્સથી નથી બનતો, તે પણ કન્ટેન્ટથી બને છે, ભલે તમે તેમાં કોઈ નવા અભિનેતાને લો.
’મુકેશ ખન્ના અંતે કહ્યું કે, ‘જો તમે કોઈ સ્ટારને માત્ર એ આશામાં ‘શક્તિમાન’માં લો છો કે ફિલ્મ ચાલશે, તો એનો અર્થ એ છે કે તમને ખુદ ‘શક્તિમાન’ પર વિશ્વાસ નથી. તો પછી ‘રામાયણ’માં મોટા-મોટા કલાકારોની શું જરૂર છે?’ નોંધનીય છે કે ‘રામાયણ’માં રણબીર કપૂર ઉપરાંત સની દેઓલ, સાંઈ પલ્લવી અને યશ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.