સિક્કી ઘાસનું બોક્સ, મધુબની કલાનાં ચિત્રોથી બની સ્વતંત્રતા પર્વની આમંત્રણ કિટ

પૂર્વી ભારતના કલાત્મક અને સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરતી ૭૦૦ કિટ તૈયાર કરાઈ: એન.આઈ.ડી. ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલ
બિહારની ટિકુલી કલા, ઝારખંડની પૈટકર પેઇન્ટિંગ, ઓડિશાની તાલપત્ર ચિત્ર અને બંગાળના પટ્ટાચિત્ર કલાકૃતિઓ સમાવિષ્ટ
NID અમદાવાદ દ્વારા તૈયાર કરાઈ રાષ્ટ્રપતિ ભવન દ્વારા મોકલવામાં આવનારી આમંત્રણ કિટ
દેશના ૭૯મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મહેમાનોને મોકલવામાં આવનારા આમંત્રણ માટેની કિટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી) અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. એન.આઈ.ડી. અમદાવાદના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલે આ ઘટનાને સંસ્થા માટે અત્યંત ગર્વની બાબત ગણાવી હતી.
આ અંગેની વિગતો આપતાં તેમણે કહ્યું કે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ઉજવવામાં આવનારા ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રતિષ્ઠિત મહેમાનોને આમંત્રણ મોકલવા માટે રાષ્ટ્રપતિ ભવન દ્વારા એન.આઈ.ડી. અમદાવાદને આમંત્રણ કિટ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેની થીમ પૂર્વી ભારતના કલાત્મક અને સાંસ્કૃતિક વારસાની નિયત કરવામાં આવી હતી.
પરિણામે, ચારેક મહિનાની મહેનત અને અત્યંત ઝીણવટભર્યા સંશોધનો બાદ બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળની સમૃદ્ધ પરંપરાગત હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતી કલાકૃતિઓ સમાવિષ્ટ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે આ આમંત્રણ કિટમાં બિહાર (જીયો-ટેગ્ડ)માંથી એક જટિલ રીતે વણાયેલું સિક્કી ઘાસનું બોક્સ સામેલ છે, જે ગ્રામીણ મહિલા કારીગરો દ્વારા સોનેરી રંગના વિશિષ્ટ ઘાસનો ઉપયોગ કરીને હાથથી બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઝારખંડની એક હસ્તકલાવાળી વાંસની ફોટો ફ્રેમ પણ છે, જે આદિવાસી કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. તેમાં સુંદર મધુબની કલા(Gl-ટેગ્ડ)નાં ચિત્રો છે.
આ ઉપરાંત, હાથ વણાટની સિલ્ક સ્ટોલ પણ છે. જેમાં મત્સ્ય, કમલ અને બસંત જેવાં પ્રાદેશિક ચિત્રો છે અને જળરંગો દ્વારા સુશોભિત આ વસ્ત્રમાં ત્રિરંગાના રંગો પણ સુંદર છાપ ઊભી કરે છે. કિટમાં પૂર્વ ભારતના લોક ચિત્રો, જેવા કે: બિહારની ટિકુલી કલા, ઐતિહાસિક એવી ઝારખંડની પૈટકર પેઇન્ટિંગ, ઓડિશાની તાલપત્ર ચિત્ર અને બંગાળના પટ્ટાચિત્ર (Gl-ટેગ્ડ) ભારતના જીવંત વારસા અને સર્જનાત્મક અભિવ્યક્તિ અને કાલાતીત ભાવનાને મૂર્તિમંત કરે છે.
એનઆઈડી-અમદાવાદ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કિટને NID બેંગલુરુ કેમ્પસના ડીન સી.એસ. સુસાન્થના નેતૃત્વમાં સંકલિત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.