જન્માષ્ટમી તહેવાર માટે GSRTC કુલ 1200 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે

File Photo
રક્ષાબંધનના તહેવાર દરમિયાન પણ કુલ ૩,૩૪,૦૦૦ મુસાફરોએ એસટીમાં મૂસાફરીનો લાભ લીધો હતો
અમદાવાદ, જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એટલે કે એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે, જન્માષ્ટમી તહેવાર માટે કુલ ૧,૨૦૦ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.જન્માષ્ટમીના તહેવારને લઈને મુસાફરોએ એસટી બસમાં મૂસાફરી કરવા માટે એડવાન્સ બુકિંગ કરાવવાનો ભારે ઘસારો જોવા મળ્યો છે.
છેલ્લા ૪૮ કલાકમાં કુલ ૧,૯૮,૬૬૭ સીટોનું ઓનલાઈન બુકિંગ થઇ ચૂક્્યું છે. આ આંકડો દર્શાવે છે કે લોકો એસટી બસની સેવા પર કેટલો વિશ્વાસ મૂકી રહ્યા છે. આ અગાઉ રક્ષાબંધનના તહેવાર દરમિયાન પણ કુલ ૩,૩૪,૦૦૦ મુસાફરોએ એસટીમાં મૂસાફરીનો લાભ લીધો હતો, જે સફળતાનો વધુ એક દાખલો પૂરા પાડે છે.
એસટી વિભાગ દ્વારા તહેવારોમના સમયે યાત્રિકોની સુવિધાને પ્રથમિકતા આપવામાં આવે છે. આ વધારાની બસો ખાસ કરીને સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો અને ધાર્મિક સ્થળોને જોડતા રૂટ પર દોડવામાં આવશે. જેના કારણે મુસાફરો સરળતાથી પોતાના ગામ કે મેળાઓ સુધી પહોંચી શકશે. વિભાગનો આ નિર્ણય ખરેખર પ્રશંસનીય છે અને તેનાથી જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવા જતાં લાખો લોકોને મોટી રાહત મળશે. જન્માષ્ટમી મહોત્સવને લઈને એસટી નિગમ દ્વારા બુકિંગની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.