Western Times News

Gujarati News

દબાણ હટાવવામાં જે કોઈ રાજકીય પ્રેશર કરતા હોય તેમની સામે થશે કાર્યવાહી: હાઈકોર્ટ

જે કોઈપણ રાજકીય વ્યક્તિ આ કામ કરતા હશે તેના વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી થશે.

(એજન્સી)અમદાવાદ, શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને રસ્તાની આસપાસના દબાણો મોટો માથાનો દુખાવો બની ગયા છે. આ સમસ્યાને નિવારવા માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલી ડ્રાઇવ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસને કામગીરી સમયે રાજકીય દબાણ કરાતું હોવાની હાઇકોર્ટમાં ફરિયાદ થઈ છે.

ગુજરાત સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે, અમારા અધિકારી કામ કરે છે તેમને રાજકીય દબાણ કરીને રોકવામાં આવી રહ્યા છે. તેની સામે ગુજરાત હાઇકોર્ટે સખત શબ્દોમાં જણાવ્યું છે કે, આ જે લોકો છે જે કામમાં અડચણરૂપ બને છે તેમના નામ આપો. જે કોઈપણ રાજકીય વ્યક્તિ આ કામ કરતા હશે તેના વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી થશે.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોશિએશનના સેક્રેટરી, હાર્દિક બ્રહ્મભટ્ટે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, સરકારના વકીલોએ કોર્ટમાં એવું કહ્યું હતું કે, સરકારી વ્યક્તિઓ જ્યારે આ કામ માટે જાય છે ત્યારે અમુક પક્ષના લોકો રાજકીય દબાણ કરીને આ પક્ષની વિચારસરણીને આગળ ધપાવવા માટે અથવા સરકારી કામને ખોરંભે કરવા માટે અલગ અલગ પ્રયત્નો કરે છે જેના કારણે સરકારી કામમાં અડચણ ઉભી થાય છે.

આમાં કોર્ટે એવું કહ્યું કે, આવા કોઈપણ વ્યક્તિઓ હોય જે આ રીતનું કૃત્ય કરતા હોય તો તેમના નામ આપો. આ રીતે સરકારી કામમાં કોઈ અડચણ રૂપ હોય તેની સામે કન્ટેમ પણ લાગી શકે છે તેવું જણાવ્યું હતું. સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે, ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાતો ફેલાવવામાં આવી રહી છે. તે સામે ગુજરાત હાઇકોર્ટે આવા તત્વો સામે સખત નારાજગી વ્યક્ત કરી છે.

ગુજરાત હાઇકોર્ટે સરકારને જણાવ્યું છે કે, જે લોકો પણ કામગીરીમાં અડચણ ઉભી કરી રહ્યા છે તેમના નામ આપો. અધિકારી હાઇકોર્ટની સૂચના મુજબ કામગીરી કરી રહ્યા છે, તેમને રોકવાનો કોઈને અધિકાર નથી. જે કોઈપણ રાજકીય વ્યક્તિ આ કામ કરતો હશે તેના વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી થશે. હાઇકોર્ટે સરકાર પાસે વિગતો મંગાવતા જણાવ્યું હતું કે, જેસીપી અને ડીસીપી ખુદ રસ્તા પર ઉતરીને કામગીરી કરી રહ્યા છે.

દબાણ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિત સરકારની કામગીરીમાં અડચણરૂપ થશે તો હાઇકોર્ટ સૂઓમોટો લઈ કામગીરી કરશે. શહેરમાં ઓલિમ્પિકના સ્વપ્ન જોઈ રહ્યા છીએ તેના માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું એ સરકારનું કર્તવ્ય છે. આવા કોઇપણ રાજકીય તત્વોની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે.

અમદાવાદ શહેરમાં મુખ્ય રસ્તાઓ પર થયેલા દબાણો મામલે સરકારી વકીલે જવાબ આપતા જણાવ્યું છે કે, એચએલ રોડ, આઈઆઈએમ રોડ, સીઈપીટી રોડ પરના લારી ગલ્લા દૂર કરાયા છે.

મુખ્ય રસ્તાઓ પર જે દબાણરૂપ લારીઓ હતી તમામને દૂર કરવામાં આવી છે. બોપલ – ઘુમા વિસ્તારમાં થતા દબાણને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. અમે શહેરને સંપૂર્ણ પણે દબાણ મુક્ત કરી રહ્યા છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ થવાની છે જેને લઈને કામગીરી થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.