Western Times News

Gujarati News

AMC ચો.મી. દીઠ 3.10 લાખના ભાવથી બોડકદેવના પ્લોટની હરાજી કરશે

AMC સાત પ્લોટ ઈ-ઓક્શનથી વેચી કરોડોની આવક કરશે

સોલા-હેબતપુર, આંબલી, ગોતા અને ચાંદખેડા-ઝુંડાલના પ્લોટ પણ હરાજીમાં -ઈ-ઓક્શન દ્વારા કાયમી વેચાણ, કરોડો રૂપિયાની આવક -બોડકદેવમાં એફપી-૩૫૬ પ્લોટનો ચો.મી. દીઠ રૂ. ૩,૧૦,૦૦૦ નો સર્વોચ્ચ ભાવ

( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરના પ્રીમિયમ વિસ્તારો બોડકદેવ, સોલા-હેબતપુર, ચાંદખેડા-ઝુંડાલ, આંબલી અને ગોતામાં કુલ ૭ પ્લોટ ઈ-ઓક્શન મારફતે કાયમી વેચાણ કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ પ્રસ્તાવ મૂકાયો છે. એએમસીનું કહેવું છે કે આ વેચાણથી કરોડો રૂપિયાની આવક ઊભી થશે, જે પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગ-બગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર અને ફાયર સ્ટેશન જેવી માળખાકીય સુવિધાઓ માટે વપરાશે.

પરંતુ હકીકત એ છે કે, કોર્પોરેશન પાસે અગાઉની હરાજીમાં મળેલા નવ જેટલા પ્લોટો હજી સુધી અણવેચાયેલા છે. એમાંના કેટલાક પ્લોટ અગાઉ સરકારી વિભાગોને ફાળવવામાં આવ્યા હતા, પરંતુ સમયસર ચૂકવણી ન થતા ફાળવણી રદ કરવાની કાર્યવાહી એએમસી બોર્ડમાં બાકી છે. એટલે કે, નવો પ્લોટ વેચાણનો પ્રયાસ શરૂ થયા છતાં જૂના પ્લોટોની ઉણપ પૂરી નથી થઈ.

બોડકદેવ ટીપી -૫૦ના એફપી-૩૫૬ પ્લોટનો સર્વે શીટ મુજબનો વિસ્તાર ૧,૮૨૧ ચો.મી. છે, જ્યારે પી ફોર્મમાં ૨,૨૩૯ ચો.મી. દર્શાવાયો હતો. માપની આ વિસંગતતા દૂર કર્યા બાદ વાસ્તવિક ક્ષેત્રફળ મુજબ વેચાણ થશે. આ રેસિડેન્શિયલ પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. ૩,૧૦,૦૦૦ નો સર્વોચ્ચ ભાવ નક્કી કરાયો છે, જે શહેરના સૌથી મોંઘા દરમાં ગણાય.

ગોતાના એફપી-૧૭૨ કોમર્શિયલ પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. ૧,૯૧,૦૦૦ નો દર રાખવામાં આવ્યો છે, જ્યારે સોલા-હેબતપુરના એફપી-૧૭૧ અને એફપી-૧૭૨ રેસિડેન્શિયલ પ્લોટો રૂ. ૧,૭૫,૦૦૦ પ્રતિ ચો.મી. દરે વેચાશે. ચાંદખેડા-ઝુંડાલના એફપી-૧૪૯ કોમર્શિયલ પ્લોટનો દર રૂ. ૧,૯૮,૦૦૦ છે. આંબલીના બે રેસિડેન્શિયલ પ્લોટોમાં એફપી-૧૧૫ માટે રૂ. ૧,૫૯,૦૦૦ અને એફપી-૧૧૯ માટે રૂ. ૧,૯૦,૦૦૦ નો દર નક્કી કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.