તમામ દેવું પૂરું કરવા મકાન અને ૬ એકર જમીન વેચ્યા પછી ફેકટરી માલિકે આપઘાત કર્યો

અશોકભાઈથી એક પછી એક લાગેલા ઘા સહન ન થતા આપઘાત કરવા મજબુર બન્યા હતા અને ઘરમાં સોમવારે ઝેરી દવા ગટગટાવી લીધી-ભાગીદારો અને પ્રેમિકાના તરકટોથી ત્રાસીને કારખાનેદારનો આપઘાત
મોરબી, મોરબીમાં કારખાનેદાર અશોકભાઈ પાડલિયા નામના ૪૨ વર્ષીય યુવાને સોમવારે રાત્રે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ઘટના બાદ યુવકના બનેવી પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજાએ તેમના સાળાના આપઘાત માટે મજબુર કરવા માટે તેના ધંધાના ચાર ભાગીદાર, અમદાવાદની એક મહિલા તેમજ મહિલાના બીજા એક પ્રેમી સહીતના કુલ ૬ લોકો સામે મોરબી સીટી એ ડિવિઝન મથકે ફરિયાદ નોધાવી હતી.
પ્રકાશભાઈની ફરિયાદ મુજબ મૃતક અશોકભાઈએ આરોપી અમિત વશરામભાઈ ચાસેલા,ભાવેશભાઈ બાબુભાઈ વિડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજ હરખાભાઈ સાણદિયાએ લખધીરપુર રોડપર એક કારખાનું ભાડે રાખ્યું હતું જેમાં તમામ ભાગીદારોએ સાથે ધંધો કરી નફો નુકશાન લેતી દેતી કરતા હતા.
મૃતક અશોકભાઈ રો મટીરીયલ ખરીદીનું કામ સંભાળતા હતા. ચાલુ ધંધામાં ખોટ આવતા અન્ય ભાગીદારોના કહેવાથી મૃતક અશોકભાઈએ રૂપિયાની વ્યવસ્થા પણ કરી આપી હતી.
આ દરમિયાન અશોકભાઈના પિતાને હ્રદયની બીમારી થવાથી તેની સારવારમાં રોકાયા હતા આ દરમિયાના બાકીના ભાગીદારોએ અશોકભાઈના નામે વ્યવહાર ચાલુ રાખ્યો અને રો મટીરીયલ ખરીદી ટાઈલ્સનો ધંધો ચાલુ રાખ્યો અને તેની રકમ આ ભાગીદારોએ વહેચી લીધી પરંતુ અશોકભાઈને કશું આપવામાં આવ્યું ન હતું.
તે જયારે પિતાની સારવાર કરી પરત ફર્યા ત્યારે સ્થિતિ એવી આવી ગઈ કે કારખાનું બંધ કરવું પડ્યું હતું આ દરમિયાન રૂ ૫ કરોડ જેટલું પણ નુકશાન થયું તે ભાગે વહેચી લેવાનું નક્કી થયું હતું.
મૃતક અશોકભાઈએ આ તમામ દેવું પોતાનું એક મકાન અને ૬ એકર જમીન વહેચી ભર્યું હતું જે તે વખતે તમામ ભાગીદારો આ રકમ પણ આપી દેશી તેવી ખાતરી આપી હતી બાદમાં બધા પલટી જતા અશોકભાઈ આર્થીક રીતે પડી ભાંગ્યા હતા જેથી ટેન્શનમાં પણ રહેતા હતા.
આ સમય દરમિયાન અશોકભાઈ એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા જેને તેની સાથે પ્રેમ સંબંધનું તરકટ રચી અર્ચિતભાઈ નામના શખ્સ સાથે મળી રૂ ૭૦ લાખ પડાવી લીધા હતા તેમજ ખોટી ફરિયાદના નામે પણ બ્લેક મેલિંગ કરવાનું શરૂ કર્યું હતું.
અશોકભાઈથી એક પછી એક લાગેલા ઘા સહન ન થતા આપઘાત કરવા મજબુર બન્યા હતા અને ઘરમાં સોમવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી આ પહેલા મૃતક અશોકભાઈ પાડલીયાએ સ્યુસાઈડ નોટમાં સમગ્ર ઉલ્લેખ કર્યો છે અને મનીષા સાથે છેલ્લા ૧૧ વર્ષથી પ્રેમ સંબંધમાં ૭ વર્ષની દિકરી હોવાનું જણાવ્યું છે.
બનાવ અંગે મૃતક અશોકભાઈના બનેવી પ્રકાશભાઈ ભાડજાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.