Western Times News

Gujarati News

રાજ્યના 25 જિલ્લાની કુલ 332 દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા મારીને તપાસ હાથ ધરાઈ

તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે સરકારની લાલ આંખ

તપાસ દરમિયાન ગેરરીતી કરતા ૧૨૬ એકમો સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ; માંડવાળ ફી તરીકે એકમો પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ વસૂલાયા

Ahmedabad, જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ રકમ વસૂલ કરવામાં આવી હતી.

કાનૂનીમાપ વિજ્ઞાન તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા હાથ ધરાયેલી  આ તપાસણી  દરમિયાન વજનમાં ઓછું આપીને ગ્રાહકને છેતરવો, વજન કાંટાનું ફેરચકાસણી, મુદ્રાંકન ન કરાવવુ, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવુ, પેકર રજીસ્ટ્રેશન ન કરવું વગેરે જેવી ગેરરીતિઓ સામે આવી હતી. આ અંગે વધુ તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે.

અત્રે નોંધનીય છે કે, જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગ્રાહકો મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટસ તેમજ ગીફ્ટ સહિતની અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત ગ્રાહકોને ખરીદી દરમિયાન વજનમાં છેતરવામાં આવતા હોય છે.

રાજ્યના નાગરીકો આવા કોઈ બનાવનો ભોગ ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય તે કાનૂની માપ વિજ્ઞાન તંત્રનો મૂળ ઉદ્દેશ્ય છે. એટલા માટે જ, આજે કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યની વિવિધ મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટસ અને ગિફ્ટ શોપ વગેરે પર તંત્રના કાયદા-નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.