ગામના માતા બન્યા કચ્છના ભીમાસર ગામના મહિલા સરપંચ: દિલ્હીમાં 15 ઓગસ્ટે વિશેષ અતિથિ તરીકે આમંત્રણ

સરપંચોના નૈતિક અને નવીન વિચારોથી ખીલી ઉઠ્યા ગુજરાતના ત્રણ આદર્શ ગામ-ગુજરાતના 3 સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ
અત્યાર સુધીમાં કુલ ૧૩ રાષ્ટ્રીય પુરસ્કારોનું ગૌરવ પ્રાપ્ત થયું છે સરપંચ ડાઈબેનની દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાના પરિણામે ભીમાસર ગામને
કચ્છના ભીમાસર, ભરૂચના અખોડ અને નવસારીના સુલતાનપુર ગામના સરપંચોએ ગ્રામ વિકાસની નવી પરિભાષા ઘડી
આ ત્રણેય ગામને “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ” અને “ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ”નો દરજ્જો મળ્યો
ગુજરાત એવું રાજ્ય છે જેની ઓળખ તેના વિકાસની ગતિ અને અન્યોને પ્રેરણા આપતા દૂરંદેશી વિઝનથી થાય છે. આવા સુંદર ગુજરાત રાજ્યના ગામડાઓ પણ આજે વિકાસના પંથે તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભીમાસર, ભરૂચ જિલ્લાના અખોડ અને નવસારી જિલ્લાના સુલતાનપુર જેવા આદર્શ ગામોના પ્રગતિશીલ સરપંચોએ પોતાના સકારાત્મક વિચારોથી ગામડામાં પણ શહેરો જેવી સુવિધા વિકસાવીને ગ્રામ વિકાસની નવી પરિભાષા ઘડી છે. આ ગામોની પ્રગતિ ફક્ત સરકારી યોજનાઓનો અમલ નથી, પરંતુ સરપંચો દ્વારા ગામને પોતાનું ઘર માનીને કરાયેલા પ્રયાસોનું એક ઉત્તમ ઉદાહરણ છે.
ગામના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહીને પોતાના ગામને “મોડેલ વિલેજ ઓફ રૂરલ ડેવલપમેન્ટ”નું સન્માન અપાવ્યું છે. આ ત્રણેય ગામના સરપંચોને ૧૫મી ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હી ખાતે આયોજિત ઉજવણી સમારોહમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાતના આ ત્રણ સરપંચોમાં એક મહિલા સરપંચ પણ છે, જેમણે નારીશક્તિના દ્રઢ સંકલ્પ અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભીમાસરના મહિલા સરપંચ: ગામના માતા બન્યા
કચ્છના ભીમાસર ગામના મહિલા સરપંચ શ્રીમતી ડાઈબેન હુંબલે પોતાના ગામને માત્ર સ્વચ્છ જ નહીં, પણ સમૃદ્ધ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ આજે ભીમાસર ગામના દરેક ઘરમાં શૌચાલય, વેસ્ટ નિકાલ માટે આખા ગામમાં સીવેજ વ્યવસ્થા, ડોર-ટૂ-ડોર વેસ્ટ કલેક્શન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. પરિણામે, આજે ભીમાસર ગામ સ્વચ્છ ભારત મિશન હેઠળ ‘ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ‘બન્યું છે. તેમણે ગામમાં ગ્રીન કવર વધારવા “ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ” અમલમાં મૂકીને ગ્રામજનોને પરિવાર દીઠ ૧૦ વૃક્ષોનું વાવેતર કરવાનું પણ આહ્વાન કર્યું હતું.
પરંતુ ડાઈબેન આટલામાં ક્યાં અટકવાના હતા? તેમણે ગામની ૨૦૦ એકર ગૌચર જમીનમાં “વ્રજ ભૂમિ ફાર્મ” બનાવીને તળાવના પાણીના ઉપયોગથી તેમાં ગાયોને ચરવા માટે ઘાસ ઉગાડ્યું છે. આનાથી ગામના પશુઓને ઘાસ તો મળે જ છે, પણ ગામના જ લોકોને રોજગારી પણ મળી રહી છે.
આ જમીનમાં ભવિષ્યમાં દબાણ ન થાય તે માટે ફરતી બાજુ ૧૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરીને RCCના પિલર પણ ઊભા કરવામાં આવ્યા છે. ભીમાસર ગામમાં આજે જાહેર પુસ્તકાલય, પી.એચ.સી., પોસ્ટ ઓફિસ, બેન્ક, ગૌશાળા તેમજ પ્રાથમિકથી લઈ માધ્યમિક શાળા સુધીની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. ડાઈબેનની દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાના પરિણામે ભીમાસર ગામને અત્યાર સુધીમાં કુલ ૧૩ રાષ્ટ્રીય પુરસ્કારોનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
સુલતાનપુરના સરપંચ: ગામના સમાજસેવક બન્યા
નવસારી જિલ્લાના સુલતાનપુર ગામના સરપંચ શ્રી શશિકાંતભાઈ પટેલે તેમના ગામને માત્ર સુવિધા સંપન્ન જ નહીં, પરંતુ સામાજિક રીતે પણ સશક્ત બનાવ્યું છે. તેમણે ગામના કોઈપણ ઘરમાં દીકરીના જન્મ પર પરિવારને રૂ. ૫,૦૦૦ની સહાય આપવાની પહેલ કરીને ‘બેટી બચાવો‘ અભિયાનને વેગ આપ્યો છે. આ ઉપરાંત ગામમાં ગ્રે વોટર (ડહોળા પાણી)ના વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ કિચન ગાર્ડન ધરાવતા લોકોને પણ ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે, જેથી ગામના વધુમાં વધુ લોકો કિચન ગાર્ડન બનાવવા પ્રોત્સાહિત થાય.
સુલતાનપુર ગામની સૌથી પ્રેરણાદાયક વાત તો એ છે કે, આ ગામના જાહેર શૌચાલયમાં દિવ્યાંગો માટે બ્રેઇલ લિપિમાં સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા છે. આવી સંવેદનશીલ પહેલ કરનારું ગુજરાતનું આ સૌપ્રથમ ગામ છે. આટલું જ નહીં, સ્વચ્છ ભારત મિશનના તમામ માપદંડો પર ૧૦૦ ટકા સિદ્ધિ મેળવીને સુલતાનપુર ‘ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ‘ બન્યું છે. શ્રી શશિકાંતભાઈની માનવતાવાદી વિચારસરણી અને સમાજ પ્રત્યેની સંવેદનશીલતાએ સુલતાનપુરને એક આદર્શ ગામ બનાવ્યું છે.
અખોડના સુકાની: પર્યાવરણના રક્ષક બન્યા
ભરૂચ જિલ્લાના અખોડ ગામના સરપંચ શ્રી નરેન્દ્રસિંહ સોલંકી ગામને સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપનના ક્ષેત્રે ટોચ પર લાવ્યા છે. તેમનું સૌથી મોટું યોગદાન ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં છે, જે નેનો એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ સિસ્ટમ દ્વારા ચાલે છે. આ પ્લાન્ટ માત્ર પાણીની બચત જ નહીં, પણ વીજળી અને માનવબળના ખર્ચમાં પણ ઘટાડો કરે છે. પાણીના ટ્રીટમેન્ટ માટે ઔષધીય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને શુદ્ધ કરાયેલા પાણીનો ખેતી માટે યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત તેમણે ગામના જૂના તળાવોને ઊંડા કરીને અને નવા તળાવોનું નિર્માણ કરીને ગામની જીવાદોરીને મજબૂત કરી છે. અખોડ ગામ પણ સ્વચ્છ ભારત મિશનના તમામ માપદંડો પર ૧૦૦ ટકા સિદ્ધિ મેળવીને ‘ઓડીએફ પ્લસ મોડેલ વિલેજ‘ બન્યું છે. સાથે જ, ગામના ૧૦૦ ટકા ઘરોમાં ‘નલ સે જલ‘ થકી પાણી પહોંચી રહ્યું છે. શ્રેષ્ઠ કામગીરી બદલ અખોડ ગામને પણ વિવિધ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. શ્રી નરેન્દ્રસિંહની નવીન વિચારધારાએ અખોડને સ્માર્ટ અને આત્મનિર્ભર ગામ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ત્રણ ગામ, એક જ સંકલ્પ
આ ત્રણેય ગામોની સફળતા દર્શાવે છે કે, જ્યારે લોકો દ્વારા ચૂંટાયેલા સરપંચો સેવા અને સમર્પણના ભાવથી કામ કરે છે, ત્યારે ગામના વિકાસને કોઈ રોકી શકતું નથી. સ્વચ્છતા, જળ વ્યવસ્થાપન, શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક સશક્તિકરણ – આ ત્રણેય ગામોએ દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
આ ગામો માત્ર ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે એક પ્રેરણાસ્ત્રોત છે, જે ‘વિકસિત ભારત‘ના વિઝનને સાકાર કરવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે. એટલા માટે જ, આ ગામના દૂરંદેશી સરપંચોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.